રાજકોટ પાણી પુરવઠા વિભાગ વિંછીયાના નાયબ કાર્યપાલક ઈજનેર અજમેરપરા ગામમાં મંજૂર થયેલા આરસીસી પમ્પ અને પાઈપલાઈન નાખવાના કોન્ટ્રાક્ટના બીલને મંજૂર કરવા માટે રૂપિયા 25 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયાં છે.

કોન્ટ્રાક્ટરે રાજકોટ એસીબીમાં કરેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિંછીયા તાલુકાના અજમેરપરા ગામમાં આરસીસી પમ્પ અને બે-બે મીટર સાઈઝનું પંપ હાઉસ તથા 3250 પીવીસી પાઈપલાઈન નાખવાનું ટેન્ડર રૂપિયા 6.48 લાખમાં મંજૂર થયું હતું. જે કામ કોન્ટ્રાક્ટરે ગત તા. 29-11ના રોજ પૂર્ણ કર્યું હતું. જે કામનું પ્રથમ બિલ રૂપિયા 2.80 લાખ કોન્ટ્રાક્ટરની કંપનીના બેંક ઓફ બરોડાના ખાતામાં જમા થયા હતા. જે બાદ કરેલા કામનું બિલ રૂપિયા 3.1 લાખ બાકી હોય આ બિલ અંગે કોન્ટ્રાક્ટરે રાજકોટ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પેટા વિભાગમાં વિંછીયાનો ચાર્જ સંભાળતા સંદીપ હેમચંદ્ર જોશીનો સંપર્ક સાધ્યો હતો.

ત્યારે રાજકોટ જસદણ કચેરીના વિંછીયા પેટા વિભાગના પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર સંદિપ જોશીએ કોન્ટ્રાક્ટરને ઓફિસે બોલાવી સિક્યોરીટીની ડિપોઝીટ રિલીઝ કરવા માટે 7 ટકા લેખે રૂપિયા 45 હજારની લાંચ માગી હતી. ત્યારબાદ બંને વચ્ચે રૂપિયા 25 હજારનું નક્કી થયું હતું. કોન્ટ્રાક્ટરે આ અંગેની ફરિયાદ રાજકોટ એસીબીમાં નોંધાવી હતી. જે ફરિયાદના આધારે રેસકોર્સ રીંગ રોડની નજીકમાં આવેલા એરપોર્ટ રોડ ઉપર નાયબ કાર્યપાલક ઈજનેર સંદિપ જોશી લાંચ લેવા માટે આવ્યાં હતાં. આ દરમયાન તે એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયા હતાં.

