સુપ્રીમ કોર્ટે હાલ પૂરતું કર્ણાટક હિજાબ કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે. ગુરુવારે હાઈકોર્ટે શાળા કોલેજોમાં વિદ્યાર્થીનીઓના હિજાબ પહેરવા પર વચગાળાનો પ્રતિબંધ લાદી દીધો હતો. અરજદારોએ સુપ્રીમ કોર્ટ પાસે આ આદેશ પર સ્ટે માંગ્યો હતો. પરંતુ ચીફ જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે હાલમાં તેઓ હાઈકોર્ટમાં જ સુનાવણી હાથ ધરવાના પક્ષમાં છે. કોર્ટે અરજદારોને સ્થાનિક મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દો બનાવવાનો પ્રયાસ ન કરવાની પણ સલાહ આપી હતી.
કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થીની અધ્યક્ષતાવાળી બેંચે ગુરુવારે કહ્યું હતું કે તે શાળા કોલેજો ખોલવાનો આદેશ આપશે. પરંતુ હાલમાં તમામ વિદ્યાર્થીઓએ શાળા-કોલેજમાં ધાર્મિક વસ્ત્રો પહેરવાનો આગ્રહ ન રાખવો જોઈએ. હાઇકોર્ટે આગામી સુનાવણી સોમવારે બપોરે 2.30 કલાકે કરવા જણાવ્યું છે. હાઈકોર્ટના આ વચગાળાના આદેશ સામે ઘણા અરજદારો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. તેને ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારમાં હસ્તક્ષેપ ગણાવીને સુપ્રીમ કોર્ટ પાસે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી.

સવારે લગભગ 10:40 વાગ્યે વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે આ મામલો ચીફ જસ્ટિસ એનવી રમનાની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચ સમક્ષ મૂક્યો હતો. કામતે કહ્યું, “હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ વચગાળાનો આદેશ બંધારણની કલમ 25નું સીધું ઉલ્લંઘન છે, એક રીતે, કોર્ટ કહી રહી છે કે મુસ્લિમ છોકરીઓએ હિજાબ ન પહેરે, શીખ વિદ્યાર્થીઓએ પાઘડી ન પહેરે ધર્મના વિદ્યાર્થીઓએ પણ કોઈ ધાર્મિક વસ્ત્રો ન પહેરે. વરિષ્ઠ વકીલે માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટ આ મામલાની સુનાવણી આજે અથવા સોમવારે કરે. પરંતુ ચીફ જસ્ટિસ તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માટે સંમત હોય તેવું લાગતું ન હતું.
ચીફ જસ્ટિસે કહ્યું, “અમે સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ. હાલમાં હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. હજુ સુધી હાઈકોર્ટનો લેખિત આદેશ પણ આવ્યો નથી. જો જરૂરી હોય તો, સુપ્રીમ કોર્ટ લોકોને બંધારણીય અધિકારોની સુરક્ષા માટે સુનાવણી કરી શકે છે. પરંતુ તરત જ આવું કરવાની જરૂર નથી. જ્યારે યોગ્ય સમય હશે, ત્યારે અમે તેની સુનાવણી કરીશું.” દેવદત્ત કામત ઉપરાંત અન્ય એક વકીલ આદિલ અહેમદે પણ સુપ્રીમ કોર્ટ પાસે આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. તેના પર ચીફ જસ્ટિસ રમનાએ આ મામલે અરજી દાખલ કરનારા તમામ લોકોને સલાહ આપતા કહ્યું કે, “આ સ્થાનિક મામલો છે. તેને વારંવાર દિલ્હી લાવી, સુપ્રીમમાં ઉઠાવીને તેને રાષ્ટ્રીય સમસ્યા તરીકે રજૂ ન કરો. કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદ પર સુનાવણી કરતા ગુરુવારે આદેશ આપ્યો હતો કે અંતિમ આદેશ સુધી વિદ્યાર્થીઓ માટે કોઈપણ ધાર્મિક પ્રતીકની મંજૂરી નથી.
કોર્ટના આ વચગાળાના આદેશ બાદ હવે શાળા-કોલેજોમાં હિજાબ અને કેસરી ગમક્ષ બંનેનો ઉપયોગ બંધ કરવો પડશે. ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત અને જસ્ટિસ ખાજી જયાબુન્નેસા મોહિઉદ્દીને વચગાળાનો આદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “અમે હિજાબ વિવાદના મામલામાં વચગાળાનો આદેશ પસાર કરવા માંગીએ છીએ.

