પાડોશી રાજ્ય રાજસ્થાનના સિરોહીમાંથી વિચારતા કરી દે એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે ભાઈઓ જીવનના અંતિમ શ્વાસ સુધી સાથે જ રહ્યા છે. આ બંને ભાઈઓની અનોખી પ્રેમકથા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. ભાઈઓનો એકબીજા પ્રત્યેનો લગાવ, પ્રેમ અને જીવનના અંતિમ શ્વાસ સુધી સાથે રહેવાની લોખંડી ઈચ્છાશક્તિને લોકો સલામ કરી રહ્યા છે. સિરોહીના રેવદરના ડાંગરાલી ગામમાં બે ભાઈઓ રહેતા હતા. રાવતારામ અને હીરારામ.
જન્મ વચ્ચે રાવતારામ અને હીરારામ દેવાસી વચ્ચે વર્ષોનું અંતર રહ્યું હશે પણ બંને ભાઈઓએ જીવનભર સાથે રહ્યા. એ પણ જીવનના અંતિમ શ્વાસ સુધી. એટલું જ નહીં બંનેના વિવાહ પણ એક જ દિવસે થયા હતા. હવે બંનેએ એક સાથે જ જીવનને અલવિદા કહી દીધું હતું. બંનેએ સાથે જ અંતિમ શ્વાસ લીધા. રાવતારામ અને હીરારામે 15થી 20 મિનિટના અંતરમાં જીવનને અલવિદા કહ્યું. જન્મબાદ જીવનભર બંને ભાઈઓમાં એટલો પ્રેમ રહ્યો કે, સમગ્ર વિસ્તારમાં લોકો એનું ઉદાહરણ આપતા હતા. ડાંગરાલી ગામે રાવતારામ અને હીરરામનું નિધન થતા એમના પરિવારમાં શોકનો માહોલ છે. પરિવારજનોએ એક સાથે બે અર્થીઓ ઊઠતા જોઈ. રાવતારામના મોટા પુત્ર ભીકાજી પર હવે સમગ્ર પરિવારની જવાબદારી છે. ભીકાજી પર પિતા અને કાકા વચ્ચે જે પ્રેમ હતો એ વારસો સાચવી રાખવાની મોટી જવાબદારી છે. બંને પરિવારમાં કુલ 11 ભાઈ બહેન છે. ભીકાજીએ તેઓ મૃત્યું પામ્યા એના એક દિવસ પહેલાનો કિસ્સો કહ્યો છે. તેમણે કહ્યું કે પિતા અને કાકા વચ્ચે ખૂબ પ્રેમ હતો. પિતાની ઉંમર 90 તો કાકાની ઉંમર 75 આશરે રહી હશે.
બંને વચ્ચેની લાગણીના ઘણા પ્રસંગો ગામવાસીઓ જાણતા હતા. હજું પણ એ વાતનો વિશ્વાસ થતો નથી કે, બંને ભાઈઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. એવી પણ ક્યાં ખબર હતી કે, એક જ દિવસે બંને ભાઈઓ જીવનને અણધારી અને વસમી વિદાય આપશે. કાકા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર રહેતા હતા. પણ પિતા રાવતારામ ખૂબ જ તંદુરસ્ત હતા.તા. 28મી જાન્યુઆરીથી પિતાએ કંઈ ખાધુ ન હતું. ભીકારામ કહે છે કે, જ્યારે પિતા કંઈ ખાતા નથી એ વાત માતાને કરી તે માતાના કહેવાથી પિતાએ માત્ર બિસ્કિટ ખાધા હતા. પછી કાકાની તબીયત પૂછીને તેઓ સૂઈ ગયા હતા. એ પછી તેઓ ઊઠ્યા જ નહીં. તા.29મી જાન્યુઆરીના રોજ સવારે 8થી 9ની વચ્ચે તેમણે દેહત્યાગ કર્યો. એક બાજું તેમણે દુનિયા છોડી બીજી બાજું કાકા હીરારામે ઠંડી વધારે હોવાથી ખાટલો તડકામાં લઈ જવા કહ્યું. પિતાના અવસાન થયાના 15થી 20 જ મિનિટમાં તેમણે પણ દેહત્યાગ કર્યો.

