ઓનલાઈન એજ્યુકેશનમાં ક્યારેક એવા ભાંગરા વટાયા છે કે, વાલીઓ સહિત શિક્ષકોએ પણ ક્યારેક શરમથી માથું નમાવવું પડ્યું છે. ક્યારેક વિદ્યાર્થીઓની ભૂલને કારણે તો ક્યારેક કોઈ ખોટી લિંક આવી જવાને કારણે ન ખુલવાનું જાહેરમાં ખુલી જાય છે. આવી એક ઘટના કચ્છના અંજારમાં બની હતી. સમગ્ર અંજાર જિલ્લામાં નગર શિક્ષણ સમિતી હસ્તકની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની શાળા આવેલી છે.
પણ જ્યારથી આ સ્કૂલમાં ઓનલાઈન એજ્યુકેશન શરૂ થયું છે ત્યારથી સ્કૂલ કોઈને કોઈ મુદ્દે વિવાદમાં રહી છે. એક વર્ષ પહેલા જે બનાવ બન્યો હતો એ ફરી તાજો થયો છે. ઓનલાઈન ક્લાસિસ ચાલતા હતા ત્યારે અચાનક એક અશ્લીલ ક્લિપની લિંક આવી જતા વિવાદ થયો હતો. અટલ બિહારી વાજપેય અંગ્રેજી સ્કૂલમાં આ બનાવ તા.21 જાન્યુઆરીએ બન્યો હતો. જેમાં ધો.7ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ ચાલું હતા. જ્યારે શાળાના એક શિક્ષકે પોતાના આઈડીથી ક્લાસ ઈવેન્ટ ક્રિએટ કરી ત્યારે અચાનક એમાં પોર્ન ક્લિપની લિંક જોવા મળી હતી. તેથી યુદ્ધના ધોરણે ગાંધીનગરથી ઓનલાઈન ક્લાસ બંધ કરવા માટે ફરજ પડી હતી. આ અંગે મુખ્ય શિક્ષિકા સાથે વાત કરતા જાણવા મળ્યું કે, એમનો મોબાઈલ અથવા આઈડી હેક કરીને આ પગલું ભરાયું છે. આ અંગે યોગ્ય તપાસ થશે અને આવી કોઈ ઘટના બીજી વખત ન બને એ માટે સાયબર ક્રાઈમ વિભાગને પણ લેખિતમાં ફરિયાદ કરી છે. આ મામલે જ્યારે શાસનાધિકારી જયેશ સથવારા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે ચોખવટ કરી કે, આવી એક ઘટના સરકારી સ્કૂલમાં બનેલી છે. આ સાથે યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ ખાતરી આપી છે. પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન અચાનક આવું પોર્ન ક્લિપનું કન્ટેન્ટ આવવું એક ગંભીર મુદ્દો છે.

ઘટના બની એના પાંચ દિવસ પછી લેખિત ફરિયાદ કરવામાં આવે છે. સાયબર ક્રાઈમના નિયમ અનુસાર આવું કોઈ પણ કન્ટેન્ટ પીરસાયું હોય એની તપાસ માટે FSLમાં મોકલવામાં આવે છે. આ ઘટનામાં ડિવાઈસ હેક થયું છે કે, જાણી જોઈને લિંક મૂકવામાં આવી છે. એ અંગે સવાલ છે. શિક્ષિકાનો મોબાઈલ જપ્ત ન થાય અને પગલાં ભરાતા રોકાઈ શકે એ માટે ગાંધીનગરથી ક્લાસવન અધિકારીઓ પણ અમુક મુદ્દે અંગત રસ લઈ તંત્રને દબાણ કરી રહ્યા હોવાની વાત ચર્ચામાં છે. જોવાનું એ રહે છે કે સાયબર ક્રાઈમ આ કેસમાં કેવા અને શું પગલાં ભરે છે. એ પરથી સ્પષ્ટ થશે કે, લિંક મૂકવામાં આવી હતી કે, ડિવાઈસ હેક થયું હતું.

