HomeGujarat100 વર્ષ જૂની સરકારી શાળા 5 વર્ષથી ખખડધજ 150 વિદ્યાર્થીઓનું ભાવિ હવામાં

100 વર્ષ જૂની સરકારી શાળા 5 વર્ષથી ખખડધજ 150 વિદ્યાર્થીઓનું ભાવિ હવામાં

શિક્ષણની વાત આવે ત્યારે સરકાર ડિજિટલ એજ્યુકેશન અને સ્માર્ટ સ્કૂલના દાવા કરે છે. પણ હકીકત સાવ જુદી જ સામે આવે છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બે એવી શાળાઓ જોવા મળી જે રાજાશાહી યુગથી અસ્તિત્વમાં હતી. પણ જાળવણી અને સંભાળન અભાવે છેલ્લા પાંચ વર્ષથી સ્કૂલ ખંઢેર બની ગઈ છે. શાળાનું મકાન પણ જર્જરીત સ્થિતિમાં છે. આ જોખમ ધ્યાને આવતા 150 જેટલા વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે.

સ્કૂલના ઓરડા જોતા ચિતરી ચડે છે અને 150 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સવાલ ઊભા થયા છે. શાળા નં.8ના આચાર્ય વિપુલ વાછાણીએ કહ્યું કે, શાળાની ઈમારત પડી જાય એવી સ્થિતિમાં છે એટલે વિદ્યાર્થીઓને કન્યા વિદ્યાલય ખાતે બેસાડીએ છીએ. 8થી 10 વર્ષ પહેલા અમારી સ્કૂલનું બિલ્ડિંગ ધમધમતુ. 300થી 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હતા. અત્યારે શાળા નં.1 સાથે મર્જ થયા બાદ બંને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 150 જેટલી થઈ છે. જો સ્કૂલની ઈમારત નવી તૈયાર કરવામાં આવે તો બાળકોથી ફરી વાતાવરણ ગુંજી ઉઠે.અગાઉ જેવું ચિત્ર સામે આવી શકે. બે વર્ષથી આચાર્ય તરીકે છું આ પહેલાના આચાર્યે પણ વાતચીત કરી છે. મેં પણ સ્થાનિક સ્તરે ઘણી રજૂઆત કરી છે. ધોરાજી તાલુકા શિક્ષણાધિકારી કાજલબેન જાનીએ કહ્યું કે, તાલુકા શાળા નં.1 અને 8 મર્જ થઈ છે. 8 નંબરની શાળાની ઈમારત જર્જરિત છે. રૂબરૂ જઈને મુલાકાત કરેલી છે. ક્લાસ અને મેદાનની સ્થિતિ ખખડધજ છે. ક્લાસ પાડી દેવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે.

આ સ્કૂલ અંગેની રજૂઆત વડીકચેરી ખાતે પણ કરેલી છે. તાત્કાલિક કાર્યવાહી કરીશું અને નવી ઈમારત તૈયાર કરવા માટે પગલાં લઈશું. શાળા નંબર 8ના વિદ્યાર્થીઓની ધોરાજી સરકારી કન્યા વિદ્યાલય ખાતે બેસાડવાની વ્યવસ્થા કરી છે. ધોરાજી ધારાશાસ્ત્રી દિનેશ વોરાએ કહ્યું કે, ધોરાજીમાં 1 અને 8 નંબરની શાળા મર્જ કરાઈ છે. રાજાશાહી વખતની ઈમારત ખખડી ગઈ છે. એક બાજુથી બિલ્ડિંગ પડી ગયું છે. હજું પણ કેટલાક વિદ્યાર્થીઓને અંદર બેસાડવામાં આવે છે. સરકાર પ્રવેશોત્સવ જેવા ખોટા નાટક કરી મોટા તાયફા કરે છે. આવી શાળાને રિનોવેટ કરાવવામાં સરકારને કોઈ રસ નથી. આવી રીતે સરકારી શાળા બંધ કરીને ખાનગી શાળાને પ્રોત્સાહન અપાતું હોય એવું લાગે છે. સ્કૂલની સ્થિતિ જોતા એટલું કહી શકાય કે, આમાં ક્યાંથી વાંચે ગુજરાત અને કેવી રીતે ભણે ગુજરાત. સરકારે શિક્ષણને લઈ કરેલા દાવા પોકળ પુરવાર થાય છે. અહીંના વિદ્યાર્થીઓ બીજી સ્કૂલમાં જઈને અભ્યાસ કરવા મજબુર છે. આમ અભ્યાસને પૂરતો ન્યાય મળતો નથી. છેલ્લા પાંચ વર્ષથી શાળાની આવી હાલત છે. સરકાર કે તંત્રને આની કોઈ ચિંતા નથી. એટલે હજુ સુધી આનો નીવેડો આવ્યો નથી. ગરીબ અને પછાત વિસ્તારના બાળકો અહીં અભ્યાસ કરે છે. નવી ઈમારત તૈયાર કરીને બાળકોને સારૂ અને સુવિધાયુક્ત શિક્ષણ આપવા તંત્ર અને સરકાર હવે શું પગલાં લેશે?

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW