કોરોના વાયરસની ત્રીજી વેવ શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં ધો.1થી 9ના ઓફલાઈન ક્લાસ બંધ કરીને ફરી ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવથી કોવિડના કેસમાં ઘટાડો થતા એક રાહત થઈ છે. એટલે ફેબ્રુઆરી મહિનામાં ફરીથી ધો.1થી 5ના અને ધો.6થી 8ના ઓફલાઈન ક્લાસ શરૂ કરવા માટે શિક્ષણમંત્રી સામે રજૂઆત કરવામાં આવી છે. જોકે, આવા માહોલમાં શાળા શરૂ થશે કે કેમ એ અંગે આરોગ્યની સ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય કરાશે.
એવું રાજકોટમાં આવેલા રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. જ્યારે ફી વધારા મુદ્દે એમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મુદ્દાને બીજે ડાઈવર્ટ કરવા માટે પ્રયાસ કર્યો. ગોળગોળ જવાબ આપીને ટૂંકમાં પૂર્ણ કરી દીધું. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, FRC હાઈકોર્ટે નિમેલી એક કમિટી છએ. સરકારને એની સાથે કોઈ નિસબત નથી. સમય અને સંજોગોને ધ્યાને લઈ બાળકોના આરોગ્યની તથા એજ્યુકેશનની ચિંતા કરીને રાજ્યમાં સ્વાસ્થ્ય અંગેની સ્થિતિ જોઈને શાળા શરૂ કરવા માટે નિર્ણય કરાશે. FRC તરફથી સૌરાષ્ટ્રમાં 1500 જેટલી શાળાઓની ફી વધારવા મુદ્દે વાત કરવામાં આવી હતી. મંજૂરી અંગે નિવેદન આપતા તેમણે ઉમેર્યું કે, આ હાઈકોર્ટે નિમેલી કમિટી છે. FRCને યોગ્ય લાગ્યું હશે તો એ ફીમાં વધારો કરશે. રાજકોટ સ્વનિર્ભર શાળાના સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ જણાવ્યું કે, ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર સામે એક માંગ કરાઈ હતી. જેમાં શાળા સંચાલકોનું એવું માનવું છે કે, હાલમાં જે રીતે કોવિડની ત્રીજી વેવ ચાલી રહી છે જે ઘાતક નથી. છેલ્લા ત્રણ દિવસથી કેસની સંખ્યા પણ ઘટી રહી છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને દિલ્હીમાં શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યાં તા.24 જાન્યુઆરીથી ઓફલાઈન ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા હતા.
હવે ગુજરાત રાજ્યમાં પણ તા.1 ફેબ્રુઆરીથી ઓફલાઈન સ્કૂલ શરૂ કરી દેવી જોઈએ. ખાસ કરીને ધો.6થી 9 અને એ પછી ધો.1થી 5 માટે ક્લાસ શરૂ કરવા જોઈએ. બે મહિનાથી બાળકો શાળામાં આવતા તેઓ સેટ થયા હતા. ભણવાનું પણ શરૂ કરી દીધું હતું. પણ ફરીવાર શાળાઓ બંધ થતા વિદ્યાર્થીઓને મોટો લોસ થઈ રહ્યો છે. ઓનાઈન એજ્યુકેશનમાં બાળકોનું ચીડિયા થઈ જવું, આંખમાં દેખાવવાની સમસ્યા, મોબાઈલનું વળગણ આવા દુષણનો ભય રહે છે. વાલીઓને પણ આ અંગે ચિંતા થતી રહે છે. બાળકોના હિતને ધ્યાને રાખીને ઓફલાઈન ક્લાસ શરૂ કરી દેવા જોઈએ.

