જામનગર નજીક આવેલા હાપા માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલા જરોઘોડા વાડી વિસ્તારમાં ગત સાંજે ઘેટા બકરા ચરાવતા વૃદ્ધ ઉપર અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા નીપજાવી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, જામનગરના સામતપીર ગામમાં રહેતા ખેતાભાઈ હઠાભાઈ ચાવડીયા નામના વૃદ્ધ ગત સાંજના સમયે હાપા માર્કેટીંગ યાર્ડનની પાછળ આવેલા જરોઘોડા વાડી વિસ્તારમાં પોતાના ઘેટા-બકરા ચરાવતા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જીવલેણ હુમલા બાદ વૃદ્ધ ત્યાં ઢળી પડ્યાં હતાં.

વૃદ્ધ મોડે સુધી ઘરે નહીં આવતા પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે તેમને ઈજાગ્રસ્ત હાલતમાં ઢળી પડેલા જોતા ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. આ અંગે તેમના પુત્ર વાલાભાઈ ભરવાડે પોલીસને નિવેદન આપતા પીઆઈ એમ.જે. જલુએ આરોપીઓને શોધવા માટે તપાસ હાથ ધરી છે.

