કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાને લઈને ખોડલધાન ટ્રસ્ટના ટ્રસ્ટી અને નરેશ પટેલે એક મોટો નિર્મય કર્યો છે. કોરોના વાયરસની સતત અને સખત વણસી રહેલી સ્થિતિ સામે નરેશ પટેલ ઝુક્યા છે. ખોડલધામના પાટોત્સવમાં લોકોને એકઠા કરવા કે નહીં એ અંગે મુંઝવણ હતી. રાજકોટમાં સરદાર પટેલભવન ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ હતી. એ પછી એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પત્રકાર પરિષદમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોના વાયરસની સ્થિતિને ધ્યાને લઈને પાટોત્સવના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાટોત્સવ હવે 400 લોકોને એકઠા કરીને કરવામાં આવશે. જેમાં મહાયજ્ઞ અને આરતી કરાશે. સમાજના દરેક લોકો આ કાર્યક્રમને ઓનલાઈન જોઈ શકશે. 400 લોકોમાં કોઈ VIPને આમંત્રણ આપવામાં આવ્યું નથી. વર્ચ્યુઅલ માધ્યમથી નરેશ પટેલ સમાજને સંબોધન કરશે. નરેશ પટેલે એવું પણ ઉમેર્યું કે, પહેલા પાટોત્સવમાં લોકોને ભેગા કરીને મહાસભા કરવાનું આયોજન હતું. પણ કોરોના વાયરસની સ્થિતિને ધ્યાને લઈ આ મહાસાભા મોકુફ રાખવામાં આવી છે. સમાજની લાગણી માટે આવનારા સમયમાં ગમે ત્યારે આ સભા કરવામાં આવશે. પણ પાટોત્સવ કોઈ રીતે રદ્દ કરવામાં આવ્યો નથી. 400 લોકોની હાજરીમાં આયોજન કરવાનું નક્કી કર્યું છે. કોરોના વાયરસની સ્થિતિ થાળે પડશે એ પછી એક મહાસભાનું આયોજન થશે. ખોડલધામ મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા કર્યે તા.21મી જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂરા થઈ રહ્યા છે. જે નિમિતે પાટોત્સવનું આયોજન કરાયું છે.
આ પાટોત્સવની 80 ટકા કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. આ પાટોત્સવમાં 20 લાખ જેટલા લોકો એકઠા થાય એવી અપેક્ષા હતા. પણ છેલ્લા એકાદ મહિનાથી કોરોના વાયરસના કેસમાં એકાએક વધારો થતા હવે મર્યાદિત મહેમાનોની સંખ્યામાં આ પાટોત્સવ પૂરો કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. રાજકારણ અંગે નરેશ પટેલે કહ્યું કે, સમાજની ઈચ્છા હશે તો હું રાજકારણમાં આવીશ. ચાર મહિનાના પ્રવાસમાં અનેક લોકોએ મને રાજકારણમાં આવવા માટે આગ્રહ કર્યો હતો. પણ હું રાજનીતિમાં આવીશ કે નહીં એ હું અત્યારે ન કહી શકું.
કાગવડ સ્થિત ખોડલધામ મંદિરમાં મા ખોડલની સાથે અન્ય 20 દેવી દેવતાઓની મૂર્તિની સ્થાપના કરાઈ છે. મંદિર મંડવરથી શિખર સુધી કુલ 650 જેટલી મૂર્તિ કંડારી મૂકાઈ છે. ખોડલધામ એકમાત્ર એવું મંદિર છે જેની જગતીમાં કલાત્મક પટેલ પેનલ મૂકવામાં આવી છે. દુનિયાનું પહેલું એવું મંદિર છે. જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્ર્ધ્વજ લહેરાય છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવડની સ્થાપના તા.8 માર્ચ 2010ના રોજ થઈ હતી. વર્ષ 2002માં નરેશ પટેલને આ મંદિરનો વિચાર આવ્યો હતો. બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી મંદિર તૈયાર થયું છે. આ પથ્થર રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયા ગામની નજીકમાં આવેલી ખાણમાંથી નીકળે છે. મંદિરની પહોળાઈ 252 ફૂટ અને 5 ઈંચ છે. મંદિર લંબાઈ 298 ફૂટ અને સાત ઈંચ છે. જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફૂટ અને એક ઈંચ છે. ખોડલધામ મંદિરની ટોચ પર 14 ફૂટ ઊંચો અને છ ટનનો કળશ છે. 40 ફૂટ ઊંચો ધ્વજદંડ મૂકાયો છે. જેના પર 52 ગજની ધ્વજા ફરકે છે.

