ગુજરાતમાં આંતરરાજ્ય હવાઇ સેવાઓનો શુભઆરંભ થઈ રહ્યો છે. કંપની વેન્ચુરા એર કનેકટ લીમીટેડ પ્રથમ અને એકમાત્ર આંતરરાજ્ય હવાઇ સેવા પૂરી પાડનાર એરલાઇન્સ છે. ગુજરાત સરકારની દુરદેશીપુર્વકની નીતિઓ અને નાગરિક સુવિધામાં ઉમેરો કરવાની યોજનાઓમાં વધુ એક સુવિધાનો ઉમેરો તા.1 જાન્યુઆરી 2022 થી થશે. હાલમાં સરકાર દ્વારા સુરતની એરલાઇન્સ કંપની વેન્ચુરા એર કનેકટ સાથે રાજ્યમાં વિવિધ શહેરોને એકબીજા સાથે હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે.
આ યોજના હેઠળ વેન્ચુરા એરકનેકટ તરફથી 9 સીટર વિમાન સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી આ 4 સેક્ટર પર રોજની ફ્લાઇટ ચલાવવામાં આવશે. હવાઇ સેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે. આ વિમાન 9 પેસેન્જર અને 2 પાઈલોટ સાથે ઉડાન ભરશે. સેકટર પ્રમાણે સુરત–ભાવનગર-30 મીનીટ, સુરત–અમરેલી-45 મીનીટ,સુરત-અમદાવાદ-60 મીનીટ અને સુરત રાજકોટ -60 મીનીટમાં પૂર્ણ થશે. સરકારની આ યોજનાથી રાજ્યમાં ખુબ જ ઝડપી હવાઈ સેવા છેવાડાના માનવી સુધી પહોંચી શકાશે. ઇમરજન્સીના સમયે વૃદ્ધ–અશક્તો માટે ફાયદો થશે. પરંતુ તેની સાથે ઉદ્યોગોને અને પ્રવાસન ઉધોગોને પણ ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન મુજબ વેન્ચુરા એરકનેક્ટ દ્વારા તમામ કક્ષાના લોકો આ સેવાનો લાભ લઇ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એક સરખો ભાવ માત્ર રૂ.1999 રાખવામાં આવ્યો છે.

બીજી તરફ ભારતીય શેર માર્કેટના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા પણ પોતાની એરલાઈન્સ શરૂ કરવા માટે જઈ રહ્યા છે. એવામાં કોરોના વાયરસના કેસ વધતા ફ્લાઈટ પરિવહનમાં કોઈ મોટી બ્રેક મારવામાં આવી શકે છે. જેના કારણે આ વેન્ચરને પણ અસર થાય એવી ભીતિ સેવાઈ રહી છે. ગુજરાતના પાડોશી રાજ્યમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. એવામાં આ નવી સર્વિસને લઈને ચિત્ર હજુ સ્પષ્ટ નથી. આ ઉપરાંત નાના શહેરને સાંકળતી ફ્લાઈટ સર્વિસને યોગ્ય ટ્રાફિક મળશે કે એ પણ મુદ્દો પણ નિષ્ણાંતો કહી રહ્યા છે. જોકે, નાના શહેરમાં ફ્લાઈટ સર્વિસ શરૂ થતા ફરી એ એરપોર્ટ ધમધમવા લાગશે. પણ કોઈ મોટી કંપની આ એરપોર્ટને ક્નેક્ટ કરે એવું અત્યારે દેખાતું નથી. મોટી એરલાઈન્સ કંપનીને પણ કોરોનાને કારણે મોટો ફટકો પડ્યો છે.

