ગાંધીનગર, શુક્રવાર
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે “ક્રિમિનોલૉજી અને ક્રિમિનલ જસ્ટિસ રિફોર્મ્સ” પર બે દિવસીય પરિસંવાદની પૂર્ણાહુતિ થઈ હતી. સમાપન સમારોહમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ ન્યાયાધીશ રવિ આર. ત્રિપાઠી, અધ્યક્ષ, રાજ્ય માનવ અધિકાર આયોગ, ગાંધીનગર દ્વારા જણાવાયું હતું કે, મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ, ગુનાખોરીને સંપૂર્ણપણે રોકવાના પ્રયાસમાં આ પરિસંવાદના તારણો અત્યંત ઉપયોગી બની રહેશે.
NFSUના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે ‘આ શૈક્ષણિક સહયોગ-સમજૂતી કરાર અંતર્ગત શિક્ષણ અને સંશોધન કૌશલ્યોને વિકસિત કરવામાં આવશે. સાથોસાથ ટ્રેનિંગ(તાલીમ), ફેકલ્ટી એક્સચેન્જ, સ્ટુડન્ટ એક્સચેન્જ, શૈક્ષણિક પ્રકાશનો સહિતનાં વિવિધ આયામોને પણ આવરી લેવામાં આવ્યા છે. આ બે દિવસીય પરિસંવાદમાં વિવિધ નિષ્ણાતોએ ફોજદારી ન્યાય સુધારણાના સામાજિક-કાયદાકીય અને તકનીકી પાસાઓ ઉપર ચર્ચા કરી હતી. સાથે જ ફોરેન્સિક પુરાવા ગુનાની તપાસ પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ અને અસરકારક બનાવવા માટેનું મુખ્ય પરિબળ છે, જે અંગે પણ આ પરિસંવાદમાં મહત્ત્વની ચર્ચા થઈ હતી.
આ પરિસંવાદના છેલ્લા દિવસે, પ્રોફે. (ડૉ.) જી. એસ. બાજપાઈ, કુલપતિ, રાજીવ ગાંધી નેશનલ યુનિવર્સિટી ઑફ લૉ, પટિયાલા અને પ્રોફે. (ડૉ.) પૂનમ સક્સેના, કુલપતિ, નેશનલ લૉ યુનિવર્સિટી, જોધપુર દ્વારા ડૉ. જે. એમ. વ્યાસ, કુલપતિ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગરની ઉપસ્થિતિમાં સમજૂતી કરાર (MoU) ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પરિસંવાદ દરમિયાન કુલ પાંચ કાયદાકીય સંસ્થાઓ દ્વારા નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા હતા.
સમાપન સમારોહમાં ડૉ. જી. કે. ગોસ્વામી, ચીફ ઓફ એન્ટી-ટેરરીસ્ટ સ્ક્વોડ, ઉત્તરપ્રદેશ દ્વારા ક્રિમિનલ જસ્ટિસ રિફોર્મ્સના મહત્વ પર ભાર મુકવામાં આવ્યો હતો. જ્યારે પ્રોફે. (ડૉ.) જી.એસ. બાજપાઈ, વાઇસ ચાન્સેલર, રાજીવ ગાંધી નેશનલ યુનિવર્સિટી ઑફ લૉ, પટિયાલાએ વિશિષ્ટ વક્તત્ય આપ્યું હતું. જ્યારે પ્રોફે. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, ડીન, સ્કૂલ ઑફ લૉ, ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝ, NFSU એ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સમાપન સમારોહમાં પ્રોફે. (ડૉ.) એસ. ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU; શ્રી સી. ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર, NFSU, NFSUની વિવિધ સ્કૂલ્સના ડીન્સ, ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

