ગાંધીનગર,ગુરૂવાર
ગુજરાતમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.ત્યારે એક બાદ એક શાળામાં બાળકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે, રાજકોટથી લઈને સુરત સુધી બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.ત્યારે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે.
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થશે તેવી આગાહી કરવામાં આવી રહી હતી તે જોતા હવે શાળાના બાળકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે. કોરોનાના કેસો વધતાની સાથે રાજ્યનું શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગે તમામ શિક્ષકોએ વેક્સિન લીધી છે કે નહીં તેની ચકાસણી કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર જિલ્લાના તમામ DEOને મોકલી આપવામાં આવ્યો છે. DEO દ્વારા તમામ શાળાના આચાર્યોને વેક્સિનના બંને ડોઝ શિક્ષકોએ લીધા છે કે નહીં તેની ચકાસણી કરવા માટે સૂચના આપી છે. આચાર્યએ વેક્સિન લીધી છે કે નહીં તેની ચકાસણી કરી રિપોર્ટ સોંપવાનો રહેશે. ખોટો રિપોર્ટ આપનાર આચાર્ય સામે શિક્ષણ વિભાગ પગલાં લેશે
આજે પણ અમદાવાદની વધુ બે શાળાઓના બાળકો સંક્રમિત થયા છે. શહેરમાં આવેલી મહારાજા અગ્રસેન અને સત્વ વિકાસ સ્કૂલના બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની જાણ તંત્રને કરાતા બંને શાળાઓના વર્ગો 10 દિવસ સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં અમદાવાદમાં જે શાળાઓમાં બાળકો પોઝિટિવ આવ્યા છે તેમાં નિરમા સ્કૂલ, ઉદગમ સ્કૂલ, આનંદ નિકેતન સ્કૂલ, અમદાવાદ ઈન્ટરનેશલ સ્કૂલનો પણ સમાવેશ થાય છે જ્યારે આજે મહારાજા અગ્રસેન અને સત્વ વિકાસ સ્કૂલમાં પણ બાળકો પોઝિટિવ આવ્યા છે.જેને લઈને હવે કોરોના પ્રત્ય બેજવાબદારી ભારે પડી શકે છે તેવું લાગી રહ્યું છે. આ તરફ વિદેશથી આવતા લોકોમાં કોરોના સંક્રમણ અને ઓમિક્રોન વેરિએન્ટ વધુ જોવા મળે છે ત્યારે સુરતમાં લંડનથી સુરત આવેલા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જો કે તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે, 11 ડિસેમ્બરે લંડનથી કુવૈત થઈ આ યુવક દિલ્હી આવ્યો હતો જ્યાં એરપોર્ટ ઉપર તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જે બાદ સુરતમાં યુવક હોમ ક્વોરેન્ટાઈન કરાયો હતો, જો કે 7 દિવસ બાદ ફરી ટેસ્ટ કરાતા યુવક કોરોનાગ્રસ્ત જણાતા તેના સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે મોકલી દેવાયા છે. રાજકોટ શહેરમાં કોરોનાના 15 પોઝિટિવ કેસ નોંધાયા છે તો મોદી સ્કૂલના વિદ્યાર્થીઓમાં પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તરફ આત્મીય કોલેજના પ્રોફેસરનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

