નવી દિલ્હી, ગુરુવાર
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ફરી એકવાર વધારો થઈ રહ્યો છે. નવો ઓમિક્રોન વેરિએન્ટ ચિંતા વધારી રહ્યો છે. આજે 4 રાજ્યોમાં ઓમિક્રોનના 64 નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી તમિલનાડુમાં 33, તેલંગાણામાં 14, કર્ણાટકમાં 12 અને કેરળમાં 5 કેસ સામે આવ્યા છે. તેના પછી દેશભરમાં નવા વેરિએન્ટથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 325 થઈ છે. ઓમિક્રોનના સૌથી વધુ 65 કેસ મહારાષ્ટ્રમાં સામે આવી ચુક્યા છે. જ્યરે 64 કેસ સાથે દિલ્હી બીજા સ્થાને અને 38 કેસ સાથે તેલંગાણા ત્રીજા સ્થાને છે.
તમિલનાડુના આરોગ્ય મંત્રીએ એમ. સુબ્રમણ્યમે કહ્યુ છે કે નવા વેરિએન્ટ ઓમિક્રોનના 26 દર્દીઓ ચેન્નઈમાં, 1 સલેમમાં, 4 મદુરાઈ અને 2 તિરુવનમલાઈમાં મળ્યા છે. કેટલાક લોકોના જીનોમ સિક્વેન્સિંગના પરિણામ આવવાના બાકી છે. આ રિઝલ્ટ આવ્યા બાદ સંખ્યા વધવાની શક્યતા છે.
કોરોનાથી સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ મહારાષ્ટ્રમાં જોવા મળી છે. ટીઓઆઈના રિપોર્ટ પ્રમાણે, મહારાષ્ટ્રમાં 35 દિવસ બાદ 24 કલાકમાં 1000થી વધારે ચેપગ્રસ્તો મળ્યા છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં 1201 કેસ આવ્યા છે. આના પહેલા રાજ્યમાં 17 નવેમ્બરે 1003 કેસ આવ્યા હતા. તો મુંબઈમાં 68 દિવસ બાદ કોરોનાના 480 નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં હાલ 7093 એક્ટિવ કેસ છે.
પશ્ચિમ બંગાળની એક સ્કૂલમાં ગુરુવારે 29 બાળકો કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. આ સ્કૂલમાં બાકીના સ્ટૂડન્ટ્સ અને ટીચર્સના કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે. આ મામલો નદિયા જિલ્લાના કલ્યાણી વિસ્તારમાં આવેલી નવોદય કેન્દ્રીય વિદ્યાલયનો છે. ચેપગ્રસ્ત બાળકોને ક્વારંટાઈન કરવામાં આવ્યા છે. ડોક્ટર્સની ટીમના નિરીક્ષણમાં સારવાર ચાલી રહી છે. હિમાચલ પ્રદેશની સરકારી સ્કૂલમાં કોરોના બ્લાસ્ટ થયો છે. બિલાસપુરની રાજકીય સ્કૂલમાં 23 સ્ટૂડન્ટ્સ કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. આ કોરોનાગ્રસ્ત બાળકોને હોમ આઈસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશની આરોગ્ય વિભાગની ટીમે અહીં કેટલાક દિવસો પહેલા કેમ્પ લગાવીને રેપિડ એન્ટીજન ટેસ્ટ કર્યા હતા.

