ગાંધીનગર, બુધવાર
હેડ ક્લાર્ક પેપરલીક કાંડ મામલે રાજ્યભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને આમ આદમી પાર્ટીથી લઈ કોંગ્રેસ અને લાખો શિક્ષિત ઉમેદવારો ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની ઉગ્ર માગણી કરી રહ્યા છે. બીજી તરફ રાજ્ય સરકારનું હજું પણ પેટનું પાણી હાલતું નથી. અસિત વોરાને બચાવવા માટે આખી સરકાર અડીખમ ઉભી છે તેવું જણાઈ રહ્યું છે. આજે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પેપરકાંડના આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવશે તેવી જૂની રેકર્ડ વગાડી હતી પણ અસિત વોરા મામલે મગનું નામ મરી પાડ્યું નહોતું. પત્રકારોએ અસિત વોરા મામલે સવાલોનો મારો ચલાવ્યો તો વાઘાણીએ કોંગ્રેસને નિશાના ઉપર લીધી હતી અને કહ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં કેવી ભરતી થતી હતી તે આપણે જાેઈએ છે.
રાજ્ય સરકાર આવનારા સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈ નવી સિસ્ટમ લાવશે અને પારદર્શક રીતે ભરતી કરવા માટે સરકાર કટિબદ્વ હોવાનું તેમણે ઉમેર્યું હતું. પેપરકાંડમાં ભાજપનો કોઈ નેતા કે કાર્યકર કોઈ પણ સામેલ હશે અને તેની સંડોવણી બહાર આવશે તો તેણે છોડવામાં આવશે નહી તેવું તેમણે કહ્યું હતું. જાે કે, અસિત વોરાને લઈ તેઓ કંઈ જ બોલ્યા નહોતા આ ઉપરથી સમજી શકાય છે કે, હજુ પણ વાઘાણી જ નહી પણ ભાજપની સરકાર અસિત વોરાના બચાવમાં પડેલી છે અને ભલે રાજ્યમાં વિરોધ પ્રદર્શન ચાલતું હોય પણ વોરાની હકાલપટ્ટી પણ કરશે નહી અને વોરાનું રાજીનામું પણ માગવામાં આવશે નહી તે સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
હેડ ક્લાર્ક પેપરલીક બાદ રાજ્યભરમાં ભારે ઉહાપોહ મચ્યો છે અને ચોમેર ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરા રાજીનામું આપે તેવી બુલંદ માગણીઓ કરવામાં આવી છે. બીજી તરફ રાજ્ય સરકાર અસિત વોરાને કોઈને કોઈ પ્રકારે છાવરી રહી છે. આજે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, પેપર લીક થયું તે દુઃખદ બાબત છે અને મુખ્યમંત્રીએ પણ રાજ્યના લાખો યુવાનો વતી દુઃખ વ્યક્ત કર્યું છે.
ભવિષ્યમાં યોજાનારી પરીક્ષાઓમાં આવી ગેરરીતિ ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્વ છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જીએડી સહીતના વિભાગોને મહત્વના આદેશ કર્યા છે અને નવી સિસ્ટમથી પરીક્ષા લેવા માટે પણ જણાવ્યું છે. પેપરકાંડમાં ભાજપનો કોઈ આગેવાન કે કાર્યકાર પણ સંડોવાયેલો હશે અને તપાસના અંતે તેનું નામ બહાર આવશે તો તેણે પણ છોડવામાં આવશે નહી તેવું તેમણે જણાવ્યું હતું. સરકાર કોઈને છોડશે નહી અને કસૂરવારોને કડકમાં કડક સજા આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, કાયદો કાયદાનું કામ કરશે અને તપાસના અંતે સત્ય બહાર આવશે.
વિકાસને વળેલા સરપંચો ચૂંટાયા
વાઘાણીએ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી મામલે કહ્યું કે, ગ્રામીણ જનતાએ ભાજપમાં વિશ્વાસ મૂક્યો છે અને વિકાસ આધારીત રાજનીતિને વળેલા સરપંચો ચૂંટાયા છે. આગામી દિવસોમાં રાજ્યમાં 222 કરોડના વિકાસના કામો હાથ ધરવામાં આવનાર છે. તદ્ ઉપરાંત 26 ડીસેમ્બરથી 31 ડીસેમ્બર ગુડ ગર્વનન્સ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.

