રાજ્યમાં દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયું હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન વાયરસની પણ એન્ટ્રી થઈ ચુકી છે. ત્યારે તેની સીધી અસર આગામી માર્ચમાં આવનારી ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા ઉપર પડી રહી છે. હવે ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા બે સપ્તાહ પાછી ઠેલવી 28 માર્ચથી શરૂ થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે જાહેર કર્યું હતું કે રાજ્યમાં માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને શૈક્ષણિક વર્ષ 2021-22માં લેનારી ધો. 9થી 12ની બીજી પરીક્ષા તથા ધો. 10 અને ધો. 12 બોર્ડની પરીક્ષા, અને ધો. 9 અને 11ની વાર્ષિક પરીક્ષાની તારીખ પાછળ ખસેડવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરાયો છે.

શૈક્ષણિક વર્ષ 2021-22માં કોવિડ-19ની પરિસ્થિતિમાં સરકાર દ્વારા કરાયેલા નિર્ણય પ્રમાણે તા. 15-7થી ધો. 12માં તેમ તા. 26-7થી ધોરણ 9થી 11માં શાળાઓમાં પ્રત્યક્ષરીતે શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું છે. જેથી અભ્યાસક્રમ સમયસર પુર્ણ કરી શકાય. તથા વિદ્યાર્થીઓને ધો. 10અને 12 બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે તે માટે ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને આ પરીક્ષાઓ બે અઠવાડીયા સુધી પાછળ ઠેલવવાનો નિર્ણ કરાયો છે.

