ગાંધીનગર,બુધવાર
હેડ ક્લાર્કનું પેપરલીક થયા બાદ રાજ્યમાં મંડળના ચેરમેન અસિત વોરા ઉપર માછલા ધોવાઈ રહ્યા છે. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે પણ મુખ્યમંત્રીને મળી આવેદન આપી અસિત વોરાને હટાવવા માગણી કરી છે. આ સિવાય રાજ્યના લાખો શિક્ષિત ઉમેદવારો સોશિયલ મીડિયામાં પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. અગાઉ રાજ્ય સરકારના મંત્રીઓ અસિત વોરાને બચાવવા મેદાનમાં આવ્યા હતા અને ક્લીનચીટ સુદ્વા પણ આપી દીધી હતી.
જાે કે, હવે ધીમે-ધીમે સરકારને પણ આત્મજ્ઞાન લાદ્યી રહ્યું છે અને હવે સરકાર અસિત વોરાને લઈ ગંભીર જાેવા મળી રહી છે. ગમે ત્યારે અસિત વોરાનું રાજીનામું લેવામાં આવી શકે છે અથવા તો વોરાને રાજીનામું આપવા માટે કહી દેવામાં આવી શકે છે. બીજી તરફ સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસના માલિક મુદ્રેશ પુરોહિતની પોલીસે ધરપકડ કરતાં હવે આ કાંડમાં અસિત વોરાના પગ નીચે રેલો આવી શકે છે તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે.
સરકારી પ્રિન્ટિંગ પ્રેસ હોવા છતાં પણ વોરાએ કેમ ખાનગી પ્રેસમાં પેપર છાપવા માટે આપ્યા તેનો જવાબ મળતો નથી. પોલીસે મુદ્રેશને દબોચી લેતાં હવે પેપરકાંડમાં મોટો ધડાકો થઈ શકે છે. અસિત વોરા સામે પણ પોલીસને મહત્વના પુરાવા મળ્યા હોવાની વાત વહેતી થઈ છે અને ગમે ત્યારે વોરાની પણ પૂછપરછ કરાઈ શકે છે. અસિત વોરા પહેલેથી શંકાના દાયરામાં રહ્યા છે અને જ્યારે યુવરાજસિંહે પેપરલીકના પુરાવા આપ્યા હતા તેમ છતાં પણ તેઓ સ્વીકાર કરવા તૈયાર નહોતા. અસિત વોરાની એ સમયે બોડી લેંગ્વેજ ઘણું બધું બયાન કરી જતી હતી. હવે અસિત વોરા સામે શંકાની સોય મજબૂત બની રહી છે ત્યારે ગમે ત્યારે અસિત વોરા રાજીનામું આપી શકે છે તેવું જણાઈ રહ્યું છે.
આંબલી-બોપલ રોડ ઉપર આવેલી સૂર્યા ઓફેસટના માલિક મુદ્રેશ પુરોહિતની ધરપકડ બાદ હવે તેની તપાસમાં પેપરકાંડના રહસ્યો બહાર આવી શકે છે. સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છાપવા માટે આપ્યા નહી અને અસિત વોરાએ કેમ ત્યાં જ આપ્યા તેનો ઉત્તર મળતો નથી. પોલીસ હવે ઝીણવટભરી તપાસ કરી રહી છે અને પેપરકાંડના તાર અસિત વોરા સુધી પહોંચી શકે છે. રાજ્ય સરકારની પણ કફોડી હાલત જાેવા મળી રહી છે.
વિપક્ષી પાર્ટીના હલ્લાબોલ ઉપરાંત લાખો ઉમેદવારોમાં રોષ જાેવા મળી રહ્યો છે અને આ રોષને શાંત કરવા માટે સરકારે હેડ ક્લાર્કની પરીક્ષા તો રદ કરી દીધી છે પણ તેનાથી ઉમેદવારોમાં રોષ ઓછો થયો નથી. મુદ્રેશ પુરોહિત અને અસિત વોરાની જુગલબંધી જગજાહેર છે અને મુદ્રેશ ભાજપ તેમજ આરએસએસ સાથે ઘરોબો ધરાવે છે એ પણ સત્ય છે ત્યારે હવે આ કેસમાં સરકારની હાલત આગામી દિવસોમાં કફોડી બની શકે છે.
જાે મુદ્રેશના તાર અસિત વોરા સાથે કનેક્ટેડ હોવાના પૂરાવા મળ્યા તો સરકારની ફજેતી થવાની છે તે નક્કી છે. મુદ્રેશ પુરોહિત સામે કાયદાનો સકંજાે કસાયો છે ત્યારે તેની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થઈ શકે છે તેવી શક્યતાઓ બળવત્તર બની છે. પેપરકાંડમાં પોલીસને પણ અસિત વોરા સામેના મહત્વના પૂરાવા મળ્યા હોવાની વાતો વહેતી થઈ છે ત્યારે આ સાચું સાબિત થશે તો અસિત વોરાની મુશ્કેલીઓ વધી શકે છે. જે ભાજપના નેતાઓ અસિત વોરાને ક્લીનચીટ આપતા હતા તેવા મંત્રીઓને પણ પોતાનું થૂંકેલું ચાટવું પડે તેવી કફોડી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. હાલ મુદ્રેશ પુરોહીત ઉપર સૌની નજર મંડાયેલી છે અને તે કોણા કોણા વટાણા વેરે છે તે જાેવું રસપ્રદ બની રહેશે.
અગાઉ પેપરલીકના પુરાવા આપનાર યુવરાજસિંહે પણ કહ્યું હતું કે, સીટની રચના કરવામાં આવે અસિત વોરાની પણ તપાસ કરવામાં આવે પણ તેમ થયું નથી. કોઈક કારણોસર અસિત વોરાને છાવરવામાં આવ્યા છે તે જાેઈ શકાય છે. અસિત વોરાની હકાલપટ્ટીની માગણી કરવામાં આવી હોવા છતાં પણ સરકાર પહેલા તો ચૂપ રહી હતી. જાે કે, હવે ભાજપ સરકાર અસિત વોરાને લઈ ગંભીર જણાઈ રહી છે. ગઈકાલે પાટિલે પણ કહ્યું હતું કે, વોરા સામે પૂરાવા મળશે તો તેમની પણ તપાસ કરવામાં આવશે.
બીજી તરફ અસિત વોરા સામે વિરોધ વંટોળ વધી રહ્યો છે અને સરકાર હવે આ વિરોધને શાંત કરવા માટે વોરાને રાજીનામું આપવા માટે કહેવાની ફીરાકમાં છે. વોરાના કારણે ભાજપ મોટું નુકસાન સહન કરવા માગતો નથી. અસિત વોરા સામે પહેલેથી શંકાઓ ઉપજી રહી હોવા છતાં પણ કોઈક કારણોસર સરકારનું તેમને પીઠબળ મળતું રહ્યું હતું. જાે કે, હવે સરકાર કડક એક્શન લેવાના મૂડમાં છે અને ગમે ત્યારે વોરાની હકાલપટ્ટી નિશ્ચિત મનાઈ રહી છે.

