બીજિંગ, બુધવાર
દુનિયાભરમાં કોરોનાના પ્રકોપે ફરીથી માથું ઉંચક્યું છે. ચીનમાં પણ તેને લઈને ડરનો માહોલ છે. કોરોનાને કારણે વણસતી પરિસ્થિતિને જોતા શિયિયાન પ્રાંતમાં 1.3 કરોડ લોકોને આગામી આદેશ સુધી ઘરમાં રહેવા માટે કહી દેવામાં આવ્યું છે. જાણકારી પ્રમાણે, શિયિયાન પ્રાંતના 1.3 કરોડ લોકોને કડક લોકડાઉનનું પાલન કરીને ઘરમાં રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. આદેશ પ્રમાણે, જરૂરિયાતની સામગ્રી ખરીદવા માટે તમામ ઘરોમાંથી કેવળ એક સદસ્યને દર બે દિવસે ઘરની બહાર જવાની મંજૂરી હશે. અન્ય તમામ લોકોને ઘરમાં રહેવું પડશે.
આ આદેશ એવા સમયે આપવામાં આવ્યો છે કે જ્યારે શિયિયાનમાં બુધવારે કોરોનાના નવા 52 કેસ સામે આવ્યા છે. તેના પછી 9 ડિસેમ્બર બાદથી અહીં કુલ 143 કેસ થયા છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ખૂબ જરૂરી હોય નહીં, ત્યાં સુધી લોકો શહેર છોડીને જાય નહીં. જો તેમ છતાં પણ કોઈને જવાની જરૂર પડે છે, તો તેમણે વિશેષ પરિસ્થિતિઓનું પ્રમાણપત્ર આપવું પડશે અને મંજૂરી માટે અરજી કરવી પડશે.
તો બીજી તરફ દુનિયાના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને પણ ડરનો માહોલ છે. જણાવવામાં આવે છે કે ઓમિક્રોન વેરિએન્ટ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટથી ત્રણ ગણો વધુ ચેપી છે. તેવામાં સરકારોની ચિંતા વધી ગઈ છે. ભારતમાં પણ આ નવા વેરિએન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હીમાં આ વેરિએન્ટના સૌથી વધુ દર્દીઓ છે. તેવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે રાજધાની નવી દિલ્હીમાં ઓમિક્રોનનું કમ્યુનિટી સ્પ્રેડ શરૂ તો થઈ ગયું નથી ને.
એમ્સના ક્રિટિકલ કેયર વિભાગના ડોક્ટર યુદ્ધવીર સિંહે કહ્યુ છે કે દિલ્હીમાં ઓમિક્રોનના વધતા મામલા ચિંતાનો વિષય છે. જો આ કેસ આવી જ રીતે વધતા રહેશે, તો જાન્યુઆરી સુધીમાં ત્રીજી લહેર આવવાની આશંકા છે. તેવામાં સરકારે ચેપના ફેલાવાને રોકવા માટે આકરા પગલા ઉઠાવવા પડશે. તેમણે કહ્યુ છે કે આ સમય છે કે જ્યારે કોરોનાના પ્રસારને રોકી શકાય છે. તેથી પ્રશાસન અને સામાન્ય લોકોએ સાથે મળીને કામ કરવું પડશે.

