ઈન્દૌર, સોમવાર
ભાજપના સાંસદ હેમામાલિનીએ રવિવારે આશા વ્યક્ત કરી હતી કે અયોધ્યા અને કાશી બાદ તેમના લોકસભા મતવિસ્તાર મથુરામાં પણ ભવ્ય મંદિર બનશે. તેના માટે તેમણે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદાહરણ આપ્યું છે. હેમામાલિનીએ રવિવારે ઈન્દૌરમાં મીડિયા સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે રામજન્મભૂમિ અને કાશીના કાયાકલ્પ બાદ સ્વાભાવિકપણે મથુરા પણ ઘણું મહત્વપૂર્ણ છે.
ભાજપના સાંસદે કહ્યુ હતુ કે તેઓ સોમવારે એક આમંત્રણ પર કાશી જઈ રહ્યા છે. તેમણે કહ્યું છે કે પ્રેમ અને સ્નેહના પ્રતીક ભગવાન કૃષ્ણની જન્મભૂમિ મથુરાના સાંસદ હોવાને કારણેહું કહીશ કે એક ભવ્ય મંદિર હોવું જોઈએ. એક મંદિર પહેલેથી જ છે અને મોદીજી દ્વારા વિકસિત કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ તેને નવું સ્વરૂપ આપી શકાય છે. હેમામાલિનીએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે અયોધ્યા અને કાશી બાદ મથુરા પણ જરૂરી છે. તેનો પણ ઉદ્ધાર થવો જોઈએ, કે જે હજી સુધી થયો નથી. મથુરાના સાંસદ હોવાના નાતે કહીશ કે અહીં પણ કૃષ્ણનું ભવ્ય મંદિર પણ બનવું જોઈએ. તેમણે કહ્યું છે કે આ પરિવર્તન (કાશી-વિશ્વનાથના કાયાકલ્પ અને પુનર્વિકાસ) ઘણું કઠિન હતું. પરંતુ તેમની (વડાપ્રધાન મોદી) દૂરંદેશી દર્શાવે છે. મથુરામાં પણ આમ જ થશે.

