પણજી, રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યુ છે કે જો દેશના પહેલા ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ કેટલોક વધુ સમય સુધી જીવિત રહેત, તો ગોવા પોર્ટુગીઝ શાસનથી ઘણું પહેલા મુક્ત થઈ ગયું હોત. માનવામાં આવે છે કે ગોવાની મુક્તિમાં વિલંબ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિશાના પર પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. મોદી અને તેમની પાર્ટી ભાજપ કાશ્મીર સમસ્યા માટે પણ નહેરુને જવાબદાર ઠેરવતા કહી ચુકી છે કે જો સરદાર પટેલને આનું સમાધાન કરવા દેવાયું હોત તો સારું હોત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોવા મુક્તિ દિવસ પર પણજીમાં આયોજીત કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. દર વર્ષે 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસની ઉજવણી થાય છે. આજના દિવસે 1961માં ભારતીય સૈનિકોએ ગોવાને પોર્ટુગીઝ શાસનથી મુક્ત કરાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે જો સરદાર પટેલ વધુ સમય જીવિત રહ્યા હતો તો ગોવા પહેલા મુક્ત થઈ ગયું હોત. નહેરુ કેબિનેટમાં નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી રહેલા સરદાર પટેલનું 15 ડિસેમ્બર, 1950ના રોજ નિધન થયું હતું. તેમણે મહારાષ્ટ્રના મરાઠાવાડાને નિજામ શાસનમાંથી મુક્તિ અપાવવાનું શ્રેય આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રસેનાનીઓના વખાણ કર્યા કે જેઓ ગોવાની મુક્તિ માટે લડયા. મોદીએ આ સ્વતંત્રતાસેનાનીઓની પ્રશંસા કરી, જેમણે રાજ્યની સ્વતંત્રતા માટે લડાઈ લડી, જેમાં ગોવાના બહારના લોકો પણ સામેલ હતા. તેમણે કહ્યુ હતુ કે જ્યારે ભારતને આઝાદી મળી, ત્યારે પણ તેમણે (સ્વતંત્રતાસેનાનીઓ) ગોવાની આઝાદીની લડાઈ ચાલુ રાખી.
મોદીએ કહ્યુ હતુ કે તેમણે (સ્વંતંત્રતાસેનાનીઓએ ) સુનિશ્ચિત કર્યું કે ભારતની આઝાદી બાદ ગોવાને આઝાદ કરવાનો સંઘર્ષ થંભ્યો નહીં. મોદીએ ગોવા સરકારના સુશાસનને વિભિન્ન માપદંડોમાં શીર્ષ પર રહેવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમણે કહ્યુ કે રાજ્યની પ્રતિ વ્યક્તિ આક, સ્કૂલોમાં કિશોરીઓ માટે અલગ શૌચાલયની સુવિધા, દરેક ઘરમાં નળનું પાણી, ઘરેઘરે જઈને કચરો એકત્રિત કરવો અને ખાદ્ય સુરક્ષા જેવા માપદંડોમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
મોદીએ ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત મનોહર પર્રિકરને યાદ કરતા કહ્યુ કે તેમણે રાજ્યની ક્ષમતાને સમજી અને લોકોના કલ્યાણ માટે તેનું પોષણ કર્યું. કાર્યક્રમ દરમિયાન મોદીએ ગોવાને આઝાદ કરાવવા માટે ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન વિજયના સ્વતંત્રતાસેનાનીઓ અને ભૂતપૂર્વ સૈનિકોને સમ્માનિત કર્યા હતા. મોદીએ કહ્યુ હતુ કે જ્યારે દેશના એક મોટા હિસ્સા પર મુઘલોનું શાસન હતું, ત્યારે ગોવા પોર્ટુગીઝોના શાસનમાં આવ્યું. પરંતુ સદીઓ બાદ ન તો ગોવા પોતાની ભારતીયતા ભૂલ્યું અને ન તો ભારત ગોવાને ભૂલ્યું. ગોવાનાપોર્ટુગીઝ શાસનથી મુક્તિના 60 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આયોજીત સમારંભમાં ભાગ લેવા માટે આજે બપોરે વડાપ્રધાન મોદીએ મીરામરમાં એક ફ્લાઈપાસ્ટ અને સેલ પરેડ પણ નિહાળી હતી.

