અમૃતસર, રવિવાર
શીખોના સૌથી પવિત્રસ્થાનોમાંથી એક અમૃતસરના સ્વર્ણ મંદિરમાં શનિવારની ઘટનાને લઈને ગરમાગરમી ચાલુ છે. પંજાબના ગૃહ મંત્રી સુખજિંદરસિંહ રંધાવાએ બેઅદબી મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ મામલાને બેહદ ગંભીરતાથી લેવાની વાત કહી છે.
રંધાવાએ કહ્યુ છે કે હજી સુધી આરોપીની ઓળખ થઈ શકી નથી. તેનીપાસે કોઈપણ ઓળખપત્ર મળ્યુ નથી. તપાસમાં જાણકારી મળી છે કે આ વ્યક્તિ એકલો જ દરબારસાહિબ આવ્યો હતો. સ્વર્ણ મંદિર પરિસર અને તેની આસપાસ સુરક્ષા કડક બનાવી દેવામાં આવી છે. તેની સાથે ગુરુદ્વારાઓમાં લાગેલા સીસીટીવી કેમેરાઓના ફૂટેજની ચકાસણી કરાય રહી છે. પંજાબ વિધાનસભાએ આવા પ્રકારની ઘટનાઓને રોકવા માટે એક બિલ પારિત કર્યું હતું. જો કે તેને હજી સુધી મંજૂરી મળી શકી નથી. તેમણે કહ્યુ છે કે અમે બેઅદબીના દોષિત વ્યક્તિ માટે ઓછામાં ઓછી 10 વર્ષની સજાની માગણી કરી છે. તેમણે કહ્યુ છે કે આ મામલાની તપાસ કરાવવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે શનિવારે દરબારસાહિબમાં રેહરાસસાહિબ પાઠ દરમિયાન એક શખ્સ મુખ્ય આરાધના સ્થળે બળજબરીથી પહોંચી ગયો. રિપોર્ટ પ્રમાણે, શખ્સ રેલિંગ કૂદીને અંદર ચાલ્યો ગયો અને કથિતપણે ગુરુગ્રંથ સાહિબજીની સામે રાખેલી શ્રીસાહિબ (કૃપાણ)ને પકડવાની કોશિશ કરી હતી. પળવારમાં જ ત્યાં હાજર સંગતના માણસોને તેને ઝડપી લીધો હતો. બાદમાં તેને એસજીપીસીની ટાસ્ક ફોર્સને હવાલે કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ભીડે આ વ્યક્તિનું લિંચિંગ કરી દીધું અને તેમા તેનો જીવ ગયો છે. પંજાબ પોલીસે આ મામલામાં કેસ નોંધ્યો છે. ડીસીપી રામપાલસિંહે કહ્યુ છે કે ભીડનો ભોગ બનેલા યુવકનું મોત નીપજ્યું છે. યુવકની લાશને સિવિલમાં મોકલવામાં આવી છે. તેની વય 24થી 25 વર્ષ હોવાનું જણાવાય રહ્યું છે.

