દાહોદ,રવિવાર
દાહોદ જિલ્લામાં 324 ગ્રામપંચાયતની અને 3 ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી એમ 327 ગ્રામ પંચાયતોની ચૂંટણી આજે યોજાઇ છે. ચૂંટણીમાં સરપંચની બેઠકની સંખ્યા 324 અને વોર્ડના સભ્યોની સંખ્યા 2356 છે. જ્યારે મતદાન મથકોની સંખ્યા 980 અને સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 226 છે. આજે 8 લાખ 09 હજાર 563 મતદારો સરપંચ અને સભ્યોનું ભાવી નક્કી કરશે. એમાંય દાહોદનાં એક ગ્રામ પંચાયતની ખાસ વાત કરીએ તો નાનકડા ગામના સરપંચ પદના ઉમેદવાર 20 જેટલા બાઉન્સર લઇને ચૂંટણી જંગમાં ઉતર્યા છે. જિલ્લાનાં સંજેલીના ઝૂસા ખાતે ઉમેદવારે પોતાના લાખો રૂપિયા ખર્ચીને આ સુરક્ષાકવચ રાખ્યું છે. સરપંચ પદનાં ઉમેદવારની આજુ-બાજુમાં એક-કે બે નહીં પરંતુ 20 બાઉન્સર ખડે પગે તેનું રક્ષણ કરી રહ્યા છે.
ગુજરાતનાં અન્ય જિલ્લાઓનાં સાપેક્ષમાં દાહોદ થોડો પછાત જિલ્લો માનવામાં આવતો હતો પરંતુ આ ઘટના બાદ હવે ગુજરાતમાં કોઈ માનવા તૈયાર નથી કે દાહોદ એક પછાત જિલ્લો છે. કારણ કે ઝૂસા જેવા ગામનાં એક સરપંચ પદના ઉમેદવારો પણ હવે બાઉન્સર રાખતા થઈ ગયા છે. ઝૂસા ગામમાં સરપંચ પદના બે ઉમેદવારો છે. તેમાંથી એક ઉમેદવાર માનસિંગભાઈ કાનજીભાઈ રાવતે પોતાના માટે 20 જેટલા બાઉન્સરો રાખ્યા છે. ઝૂસા ગામમાં ચૂંટણી જંગ એવો તો જામ્યો છે કે તેમણે કહ્યું હતું કે તેઓને સામે પક્ષેથી ધાક ધમકી આપવામાં આવી રહી છે અને આખી રાત વાહનો દોડાવવામાં આવી રહ્યા છે. એવા સમયે તેઓને પોતાના ખર્ચે સ્વબચાવ માટે સિક્યોરીટી રાખવાની ફરજ પડી હતી. જો કે તેમણે આ પગલાં બાદ એક સરપંચ પદની ચૂંટણી પાછળ કેટલો ખર્ચ કર્યો હશે તેનો અંદાજ લગાવી શકાય છે.
મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં ગામડાઓમાં લાખો રુપિયાના ખર્ચ પંચાયતની ચૂંટણીમાં થાય છે. ત્યારે આ ચૂંટણીઓ સંવેદનશીલ પણ એટલી જ હોય છે. દાહોદ જિલ્લો પછાત કહેવાય છે, પરંતુ તે જિલ્લામાં સત્તા મેળવવાની પરાકાષ્ઠા કેવી છે તે કેટલાક કિસ્સાઓ પરથી પુરવાર થઇ જાય છે. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનુ ઝુસા નાનકડુ ગામ છે અને આ ગામમાં પણ પંચાયતની ચૂંટણી છે. આ ગામમાં સરપંચ પદના બે ઉમેદવાર છે, તેમાંથી એક ઉમેદવાર માનસીંગભાઇ કાનજીભાઇ રાવતે ખાનગી સિક્યુરિટીના 20 જેટલા બાઉન્સરો સ્વરક્ષણ માટે રાખ્યા છે. તેમના કહેવા મુજબ ગામમાં પ્રચારમાં સામા પક્ષેથી ધાક ધમકી આપવામાં આવી છે. આખી રાત વાહનો દોડાવાય છે ત્યારે તેમણે પોતાના ખર્ચે પોતાના બચાવ માટે આ સિક્યુરિટી રાખવાની ફરજ પડી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉમેદવારે પોતાની સિક્યુરિટી માટે એવન લાઇન સિક્યુરિટી નામની ગોધરાની સિક્યુરિટી કંપનીમાંથી આ બાઉન્સર રાખ્યા છે. ત્યારે તેનો ખર્ચ કેટલો થશે તે સમજી શકાય તેવી બાબત છે. એટલું જ નહીં તેમને આપેલી સિક્યુરિટીનો પત્ર પણ પોલીસ વિભાગને જાણ માટે આપવામાં આવ્યો છે.

