પહાડોમાં થયેલી હિમવર્ષાને કારે ઘણાં રાજ્યોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. હિમાચલપ્રદેશના શિમલા જિલ્લામાં થયેલી બરફવર્ષાની તસવીર સામે આવી છે. નારકંદા અને મંડોહી ગામમાં થયેલી હિંમવર્ષની તસવીરોમાં દેખાય રહ્યું છે કે બસ અને કાર પણ આ બરફવર્ષામાં સંપૂર્ણપણે ઢંકાય ગયા છે. દેશના અન્ય કેટલાક રાજ્યોમાં પણ ઠંડીને કારણે જનજીવન પર અસર છે.
ઉત્તરમાંથી આવનારા ઠંડા પવનને કારણે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં શીતલહેર છે, જ્યાં રાત્રિનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ચાલ્યું ગયું છે. ગત શુક્રવારે રાત્રે રાજ્યના ફતેહપુર અને ચુરુમાં તાપમાન શૂન્યથી પણ નીચે નોંધાયું હતું. હવામાન વિભાગે રાજ્યના ઘણાં વિસ્તારોમાં શીતલહેરની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગ પ્રમાણે, સીકરના ફતેહપુરમાં લઘુત્તમ તાપમાન – 3.3 ડિગ્રી સેસ્લિયસ નોંધાયું છે.
તો ચુરુમાં -1.1 ડિગ્રી, નાગોરમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 0.3 ડિગ્રી, સંગરિયા અને સીકરમાં 0.7 ડિગ્રી,ભીલવાડામાં 1.0 ડિગ્રી, ગંગાનગરમાં 1.1 ડિગ્રી,પિલાનીમાં 1.9 ડિગ્રી, ચિત્તોડગઢમાં 2.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિસયસથી નીચે પહોંચ્યું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રીથી લઈને 24.2 ડિગ્રીની વચ્ચે છે. તો રાજધાની જયપુરમાં શુક્રવારે રાત્રે લઘુત્તમ તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં તીવ્ર શીત લહેરને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાનમાં આવેલા બદલાવની અસર સામાન્ય જનજીવન પર પડી રહી છે.

હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે કહ્યુ હતુ કે ઉત્તરીય પર્વતીય રાજ્યો-ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં થયેલી બરફવર્ષાને કારણે ત્યાંથી આવી રહેલા ઠંડા પવનોને કારણે ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. શનિવારે તાપમાનમાં વધુ ઘટાડાની સંભાવના વ્યક્ત કરી હતી.
ભારતીય હવામાન વિભાગના ભોપાલ કાર્યાલયના વરિષ્ઠ હવામાનશાસ્ત્રી પી. કે. સાહાએ આગામી ચાર દિવસોમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધીના ઘટાડાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાને કારણે મધ્યપ્રદેશમાં ઠંડા પવનો ફૂંકાય રહ્યા છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર અને ચંબલ સંભાગોના જિલ્લાઓ સહીત ભોપાલ, ઉજ્જૈન, શાજાપુર, રાજગઢ, નીમચ, મંદસૌર, છતરપુર, ટીકમગઢ, નિવાડી અને બાલાઘાટ જિલ્લામાં શનિવારે સવારે હળવી અથવા મધ્યમ ધુમ્મસની સંભાવના હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે આગામી કેટલાક દિવસોમાં આ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થવા અને રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડાની સંભાવના છે.
પંજાબના અમૃતસરમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. શહેરમાં ધુમ્મસની ચાદર બિછાય ગઈ છે. લોકો અહીં શરીરને ગરમ રાખવા માટે તાપણી કરી રહ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે, આજનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.
કાશ્મીરમાં ઠંડીના પ્રકોપના વધવાને કારણે ઘાટીમાં મોટાભાગના સ્થાનોએ રાત્રિના સમયમાં તાપમાન ગલનબિંદુથી નીચું રહ્યું. હવામાન વિભાગે ઘાટીમાં આગામી કેટલાક દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડાની શક્યતા દર્શાવી છે. અધિકારીઓએ કહ્યુ છે કે શ્રીનગરમાં ગુરુવારની રાત્રે તાપમાન શૂન્યથી 3.8 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું હતું, જ્યારે ગત રાત્રિએ અહીં તાપમાન શૂન્યથી 2.1 ડિગ્રી સેલ્સિયસ નીચે રહ્યું હતું. જ્યારે ઉત્તર કાશ્મીરના બારામૂલા જિલ્લાના ગુલમર્ગ રિસોર્ટમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી 8.6 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું હતું. અહીં ગત રાત્રિએ તાપમાન શૂન્યથી 10 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું હતું. પહલગામમાં તાપમાન – 5.6 ડિગ્રી, કુપવાડામાં -4.4 ડિગ્રી, કાજીગુંડમાં -3.2 ડિગ્રી, કોકરનાગમાં -3.5 ડિગ્રી સેસિયસ તાપમાન નોંધાયું હતું. હિમાચલ પ્રદેશમાં પણ બરફવર્ષા થઈ છે.

યુપીના મુરાદાબાદમાં શુક્રવારથી ઠંડા પવન ફૂંકાય રહ્યા છે. તેના કારણે અહીં ઠંડી વધી છે અને વિઝિબિલિટી ઘણી ઓછી થઈ છે. અહીં વાહનો ચલાવવામાં મુશ્કેલી થઈ રહી છે. પહાડી વિસ્તારોમાં સતત બરફવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં સતત ઠંડી વધી રહીછે. હવામાન વિશેષજ્ઞોના પૂર્વાનુમાન પ્રમાણે, ઉત્તર દિશામાંથી આવનારા ઠંડા પવનોને કારણે દિલ્હી-એસીઆરના કેટલાક વિસ્તોરમાં બે દિવસ સુધી શીતલહેર ચાલવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાના આસાર છે. રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન 7.7 ડિગ્રી અને મહત્તમ તાપમાન સામાન્યથી 2 ડિગ્રી ઓછું 20.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

