ગાંધીનગર, શનિવાર
આવતીકાલે તા.19 મીએ રાજ્યની 10,000 કરતા વધુ ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાવા જઇ રહ્યું છે, ત્યારે તેના 48 કલાક અગાઉ શુક્રવારથી જાહેર પ્રચાર સમાપ્ત થયો હતો. હવે ઉમેદવારોએ અંતિમ ઘડીના મતદારોને રીઝવવાના પ્રયાસો કર્યા છે. આજે સાંજે જુદાજુદા ડિસ્પેચીંગ સેન્ટર ૫૨થી બુથ ૫૨ના સ્ટાફને રવાના કરવામા આવશે. ગ્રામ પંચાયતની ચુંટણી માટે વિવિધ જિલ્લાઓના તંત્ર સજ્જ બન્યા છે.
છેલ્લા એક પખવાડીયાથી આ ચુંટણીને લઇને તંત્રમા અને ખાસ કરીને જ્યાં ચુંટણી યોજાવાની છે તે ગામોમા ભારે ચહલપહલ જોવા મળી રહી છે. આમ તો ચુંટણી લડવા માંગતા ઉમેદવારોએ છેલ્લા ત્રણ ચાર મહિનાથી તેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી, પરંતુ ફોર્મ પરત ખેંચવાની મુદત વિત્યા બાદ બાકી બચી ગયેલા ઉમેદવારોએ પ્રચાર માટે દોડધામ કરી મુકી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામ પંચાયત ચુંટણીમા પ્રચારનો ભારે શોરબકોર જોવા મળ્યો હતો. જો કે હવે ગઈકાલથી આ જાહેર પ્રચારની સમાપ્તિ થઇ જવા પામી છે. આમપણ મોટાભાગના ગામડામા વોર્ડની ચુંટણી લડતા ઉમેદવારો માઇક કે સભાઓના પ્રચારથી દુર રહ્યાં હતા.
સરપંચ પદની ચુંટણી લડતા ઉમેદવારોએ મહદઅંશે આ પ્રકારે પ્રચાર જરૂર કર્યો હતો. પરંતુ હવે જાહેર પ્રચાર સમાપ્ત થતા સભ્યપદ તથા સરપંચપદના ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે છેલ્લી ઘડીના પ્રયાસો શરૂ કર્યા છે તો બીજી તરફ વહિવટી તંત્ર દ્વારા મતદાનની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. આજે સાંજ પહેલા બુથ પર ફરજમા રોકાયેલો તમામ સ્ટાફ વિશેષ વાહનો મારફત પોતપોતાના બુથ પર પહોંચી જશે. આજે સવારથી ડિસ્પેચીંગ સેન્ટર પરથી આ સ્ટાફને જરૂરી ચુંટણી સાહિત્ય, મતપત્રકો અને પેટીઓ સાથે બુથ પર મોકલી દેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, કાલે રવિવારે સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. (તસવીર પ્રતિકાત્મક છે)

