માંગરોળ, શનિવાર
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષકે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરજ પર હાજર નહીં રહેતાં મામલતદાર દ્વારા શિક્ષાત્મક પગલાં લઇ શીલ પોલીસ સ્ટેશન દ્વારા વોરંટ કઢાવી શિક્ષકની મામલતદાર સમક્ષ હાજર કરી ફરજ ઉપર મોકલી દેવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં આવતીકાલે ગ્રામપંચાયતની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ચૂંટણી પર ફરજ બજાવવા માટે શાળાના શિક્ષકોને કામગીરીમાં સામેલ કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા નગીચાણા સીમ 4 માં આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષક સમરણભાઈ વરજાંગભાઈ પીઠિયા, રહે. બામણવાડા, તા. મોગરોળ ને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરજ પર હાજર રહેવા માટે લેખિતમાં જાણ કરવામાં આવી હતી. પરંતુ તેઓ ફરજ પર હાજર ન રહેતા માંગરોળ મામલતદાર દ્વારા શિક્ષાત્મક પગલાં લઇ શીલ પોલીસ સ્ટેશન દ્વારા વોરંટ ઇસ્યુ કરી આચાર્ય શિક્ષક ની અટકાયત કરી મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. બાદમાં તાત્કાલિક ફરજ પર મોકલી દેવામાં આવ્યા હતા.

