નવી દિલ્હી, શનિવાર
રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીની રોહિણી ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર થોડા દિવસ પહેલા થયેલા વિસ્ફોટના મામલામાં પોલીસે શનિવારે એક વૈજ્ઞાનિકની ધરપકડ કરી છે. પોલીસ પ્રમાણે, ધરપકડ કરાયેલા વૈજ્ઞાનિક પર આરોપ છે કે તેણે કોર્ટમાં ટિફિન બોમ્બ લગાવીને એક વકીલને જાનથી મારવાની કોશિશ કરી હતી. જે વકીલને મારવાની કોશિશ કરવામાં આવી હતી,તે એક અદાલતમાં સુનાવણીમાં સામેલ થવાનો હતો.
આ મહીનાની 9મી તારીખે રોહિણી કોર્ટમાં એક ઓછી તીવ્રતાવાળો વિસ્ફોટ થયો હતો. ઘટનામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. પોલીસે કહ્યું છે કે એરેસ્ટ કરાયેલો આરોપી ભારત ભૂષણ કટારિયા ડીઆરડીઓમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરે છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે,શરૂઆતની તપાસમાં જાણકારી મળી છે કે વૈજ્ઞાનિકની એડવોકેટ અમિત વશિષ્ઠ સાથે લાંબા કાયદાકીય લડાઈ ચાલી રહી હતી. વકીલે આરોપી વિરુદ્ધ સાત મામલા નોંધાવ્યા હતા. જ્યારે ભૂષણે પણ વકીલ સામે પાંચ કેસ નોંધાવ્યા હતા. બંનેની વચ્ચે કેટલાક વર્ષોથી કાયદાકીય લડાઈ ચાલી રહી હતી.
ભૂષણના પાડોશી વકીલે પણ તેમની વિરુદ્ધ સતર્કતા ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ પ્રમાણે, આરોપી વકીલ સાથે કેસમાં ગુંચવાયેલા હતા. પોલીસે કહ્યું છે કે તેણે ખુદ બોમ્બ બનાવીને કોર્ટ રૂમ નંબર-102માં મૂક્યો હતો. પૂછપરછ દરમિયાન વૈજ્ઞાનિકે પોલીસ સામે સ્વીકાર્યું છે કે તે વકીલને મારવા ચાહતો હતો અને તેથી તેણે આઈઈડી લગાવ્યો. દિલ્હી પોલીસના સ્પેશલ સેલની નોર્ધન રેન્જના બે સ્પેશ્યલાઈઝ્ડ યૂનિટની વધુ મદદ લઈને તપાસ કરાય રહી છે. ઘટના સંદર્ભે મીડિયા સાથે વાત કરતા દિલ્હીના પોલીસ કમિશનર રાકાશે અસ્થાનાએ કહ્યુ છે કે વિસ્ફોટ રોહિણી કોર્ટ શૂટઆઉટ બાદ થયો હતો, માટે અમારે તમામ પ્રયાસો કરવા પડયા. પોલીસે કારોની ઓળખ કરવા માટે 9 ડિસેમ્બરે કોર્ટ પરિસરમાં ઘૂસનારી તમામ કારોની ઓળખ કરી હતી.

