નવી દિલ્હી, શુક્રવાર
રેપ રોકી શકતા નથી તો તેની મજા લો, કર્ણાટક કોંગ્રેસના નેતાએ આપેલા બેહદ બેશરમ અને વાંધાજનક નિવેદનને કારણે યુપીમાં મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાનો વાયદો કરી ચુકેલી કોંગ્રેસ શરમજનક સ્થિતિમાં મૂકાય છે. કોંગ્રેસના મહાસચિવ અને યુપીના પાર્ટી પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ આની ઘોષણા કરતા કહ્યું હતું કે લડકી હૂં લડ, શકતી હૂં. હવે કોંગ્રેસના કર્ણાટક ખાતેના ધારાસભ્ય કે. આર. રમેશકુમારે ખુદ પ્રિયંકા ગાંધી વાડ્રાને એક શરમજનક સ્થિતિમાં મૂકી દીધા છે. જો કે બાદમાં રમેશ કુમારે પોતાના નિવેદન બદલ માફી માંગી લીધી છે. પરંતુ ભાજપ સહીતના બિનકોંગ્રેસી પક્ષોના મહિલા નેતાઓ અને ખુદ કોંગ્રેસના મહિલા નેતાઓએ આવી બેશરમ નિવેદનબાજી બદલ કોંગ્રેસના નેતા રમેશ કુમાર પર ફિટકાર વરસાવ્યો છે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અને અમેઠીથી ભાજપના લોકસભાના સાંસદ સ્મૃતિ ઈરાનીએ આ મામલો સંસદના નીચલા ગૃહમાં ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે વિપક્ષી પાર્ટીએ પોતાના આ નેતાને ન્યાયની મર્યાદામાં લાવવા જોઈએ। તો કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ પણ આવા પ્રકારની ટીપ્પણીને ખોટી ગણાવી છે.
કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય કે. આર. રમેશ કુમારે ગુરુવારે વિધાનસભામાં કહ્યુ હતુ કે જ્યારે બળાત્કારને રોકી શકાય નહીં, તો તેનો આનંદ લો. વિવાદ ઉભો થયા બાદ તેમણે માફી માંગી લીધી છે. કોંગ્રેસ અને અન્ય કેટલાક વિપક્ષી દળોના સદસ્યો જ્યારે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજયકુમાર મિશ્રાની બસખાસ્તગીની માગણીને લઈને શુક્રવારે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન હંગામો કરી રહ્યા હતા, તો એક પૂરક પ્રશ્નનો ઉત્તર આપતી વખતે સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને નિશાને લીધી હતી.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે કેટલાક સદસ્યો અહીં તેમને બોલવાથી રોકવાની કોશિશ કરી રહ્યા છે અને જો તેઓ ગરીબ મહિલાઓ અને બાળકોની સેવામાં વિશ્વાસ ધરાવે છે, તો તેમણે આમ કરવું જોઈએ નહીં. કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસના નામોલ્લેખ વગર કહ્યું હતુ કે જો તમે મહિલાઓના મકસદમાં વિશ્વાસ કરો છો, તો આ ધારાસભ્યની નિંદા કરો જેણે કહ્યુ છે કે જો બળાત્કાર થાય છે, તો તેનો આનંદ લેવો જોઈએ. જે લોકો અહીં પીઠાસનની નજીક છે, તે પહેલા પોતાના રાજકીય સંગઠનની પાસે જાય અને તે વ્યક્તિને ન્યાયની જદમાં લાવે.
સમાજવાદી પાર્ટીના નેતા અને રાજ્યસભામાં સાંસદ જયા બચ્ચને પણ કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યની બેફામ ટીપ્પણી પર નારાજગી વ્યક્ત કરતા તેને શર્મનાક ગણાવી છે. તેમણે કોંગ્રેસ પાર્ટી સમક્ષ નિવેદનબાજ ધારાસભ્યની વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરી છે. જયા બચ્ચને કહ્યું છે કે શર્મનાક વ્યવહાર, શર્મનાક કામ. પાર્ટીએ તેમની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી આ લોકો માટે ઉદાહરણ બને જેનાથી તેઓ આવું વિચારે પણ નહીં, ગૃહમાં બોલવાનું તો દૂરની વાત છે. તેમણે કહ્યું હતું કે જો વિધાનસભા અને સંસદમાં આવા લોકો બેઠેલા છે, તો ચીજો કેવી રીતે બદલાશે? આપણે કડક સજા આપીને ઉદાહરણ રજૂ કરવું જોઈએ, જેથી અન્ય આવું બોલવાની હિંમત કરે નહીં. આ ઘૃણિત છે, હું સ્તબ્ધ છું. જયા બચ્ચને એએનઆઈ સાથેની વાતચીતમાં આના સંદર્ભે પ્રતિક્રિયા આપતા આકરી નારાજગી વ્યક્ત કરી હતી.
કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ છે કે આ ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે, આ અભદ્ર વાત કહેવી જોઈતી ન હતી. તે ઘણાં અનુભવી વ્યક્તિ છે, બે વાર સ્પીકર હતા. મંત્રી હતા, આવી વાત કરવી જોઈએ નહીં. હું ઈચ્છતો નથી કે આવી વાત કરે જેની કોઈ વાત થાય તેમ નથી. બધાં આલોચના કરી રહ્યા છે. માટે તેમણે માફી માંગી છે, તો વાત પણ ખતમ કરી દેવી જોઈએ.

