કોરોના અને લોકડાઉનના કારણે બે વર્ષથી બંધ રહેલું પ્રવાસન ઉદ્યોગ ધીમે ધીમે ખુલવા લાગ્યો છે. ત્યારે કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોનની અસર પ્રવાસન ઉદ્યોગ ઉપર પડી રહી છે. તેમજ 31મી ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં પરંતુ તેની ઉજવણી કરવા માટે બહાર જતા લોકોમાં પણ નિરસતા જોવા મળી રહી છે. આ વર્ષે ઓમિક્રોનના કારણે બુકીંગમાં 65થી 70 ટકાનો ઘટાડો આવ્યો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
સૌરાષ્ટ્રના લોકો તહેવાર હોય કે કોઈ પણ દિવસની ઉજવણી કરવાની હોય કે પછી ન્યુયર ઉજવણી હોય હંમેશા તેમના કેન્દ્રસ્થાનમાં પ્રવાસન સ્થળો રહ્યાં છે. ત્યારે આ વર્ષે દિવાળી ઉપર રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન સહીતના નિયંત્રણો હળવા કરતા મોટાભાગના લોકો બહારગામ ફરવા માટે ગયા હતાં. જેના પગલે પ્રવાસન ઉદ્યોગને બુસ્ટર ડોઝ મળ્યો હતો. હવે થોડા દિવસોમાં 31મી ડિસેમ્બર આવી રહી છે. ત્યારે હવે તેના ઉપર ઓમિક્રોનનું સંકટ ઘેરાવા લાગ્યું છે.

ઓમિક્રોનના કેસની સંખ્યા દિવસે દિવસેને વધી રહી છે. તો બીજી તરફ દિવાળી બાદ કોરોનાના કેસો પણ વધી રહ્યાં છે. કોરોના સંક્રમણનો ભય લોકોમાં ઉભો થયો છે. જેની સીધી અસર રાજકોટમાં ટુર્સ ઓપરેટરોને પડી રહી છે. ટુર ઓપરેટર્સના જણાવ્યા પ્રમાણે થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે. રાજકોટીયન્સમાં ખાસ કરીને થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ખાસ કરીને દુબઈ, લંડન સહિતના વિદેશી સ્થળોએ જવા માટેનું આકર્ષણ રહ્યું છે. આ ઉપરાંત હિમાચલ, બેંગલુરૂ, કાશ્મીર, મૈસુર, ઉટી જેવા સ્થળો પણ રાજકોટીયન્સ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

ટુર્સ ઓપરેટર્સના જણાવ્યા પ્રમાણે અત્યારે લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે ખાસ કરીને હનીમૂન માટે પુછપરછ આવી રહી છે. તો બીજી તરફ દેશમાં વધી રહેલા કોરોનાના નવા વાયરસ ઓમિક્રોનના કેસો વધતા લોકોમાં પણ તેનો ભય દેખાઈ રહ્યો છે. જો આગામી દિવસોમાં ઓમિક્રોનના કેસો વધશે તો 30થી 35 ટકા બુકીંગ થયું છે તે રદ્દ કરવાની દહેશત ફેલાઈ રહી છે. તો બીજી તરફ ગોવા સરિતની ફ્લાઈટોના ભાડામાં પણ તોતીંગ વધારો થયો છે. પહેલા જે ભાડું 5 હજાર રૂપિયા હતું તે વધીને હવે 12થી 15 હજાર જેટલું થઈ ગયું છે.

