ગાંધીનગર, ગુરૂવાર
હેડ ક્લાર્કનું પેપર લીક થયા પછી હજુ સુધી તપાસનું નાટક ચાલી રહ્યું છે, ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરા શંકાના દાયરામાં છે અને તેમની સામે તપાસ કમિટી બેસાડવી જાેઈએ તેવી માગણી આમ આદમી પાર્ટીએ કરી છે. માત્ર એટલું જ નહી પણ બે દિવસમાં અસિત વોરા સામે તપાસ કરવામાં નહી આવે તો આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે. અસિત વોરાને સરકારે બીજીવાર ચેરમેન પદે બેસાડ્યા છે, અગાઉ તેમની ટર્મ પૂરી થઈ ગઈ હોવા છતાં કેમ ફરીથી બેસાડાયા તે ચર્ચાનો વિષય છે. રાજ્ય સરકાર અસિત વોરા ઉપર મહેરબાન હોવાથી આજ દિન સુધી પેપરલીક કેસમાં તટસ્થ તપાસ થઈ નથી.
આમ આદમી પાર્ટીના યુવરાજસિંહે કહ્યું કે, અસિત વોરાના કાર્યકાળમાં બીજીવાર પેપર લીક થયું છે પણ તપાસનું નાટક ચાલી રહ્યું છે. અસિત વોરા સામે જ પોલીસ તપાસ કરવામાં આવે તો સમગ્ર કેસનું સત્ય બહાર આવી શકે તેમ છે. હેડ ક્લાર્કનું પેપર લીક થવાના કેસમાં રાજ્ય સરકાર બેકફૂટ ઉપર આવી ગઈ છે. સાબરકાંઠા પોલીસ તપાસનું નાટક કરી રહી છે અને હજુ સુધી કોઈ મગરમચ્છ પકડાયો નથી. ગૌણ સેવા મંડળ પાસે પૂરતી સત્તા હોવા છતાં પણ કેમ સુઓમોટો કરવામાં આવતી નથી તે અનેક શંકાઓ ઉપજાવે છે. અસિત વોરા ફરિયાદ કરવાથી કેમ ડરી રહ્યા છે તે અનેક શંકાઓ ઉપજાવે છે. અસિત વોરા એક જ રેકર્ડ વગાડે છે કે, અમને કોઈ પૂરાવા મળ્યા નથી. પુરાવા નથી મળ્યા તો તમે કેમ જેમણે પેપરલીકના આક્ષેપ કર્યા છે તેમની સામે ફરિયાદ કરતા નથી તેવા વેધક સવાલો જનતામાં ઊઠી રહ્યા છે. રાજ્ય સરકાર પણ કૂલડીમાં ગોળ ભાગતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
ગૌણ સેવા મંડળ દ્વારા આયોજિત હેડ ક્લાર્કનું પેપર સાબરકાંઠામાં લીક થયા બાદ રાજ્ય સરકાર ઉપર માછલા ધોવાઈ રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મીટિંગનું આયોજન કરાયું હતું પરંતુ, બાદમાં આ ઘટના ઉપર પરદો પાડવાની કોશિશ કરવામાં આવી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના યુવરાજસિંહે કહ્યું કે, બે દિવસમાં આ કેસમાં તપાસ નહી થાય તો અમે ગાંધીનગરમાં આંદોલન કરીશું. મંડળના ચેરમેન અસિત વોરાની ભૂમિકા શંકાસ્પદ છે અને તેમની સામે તપાસ સમિતિ બેસાડવી જાેઈએ. પરીક્ષાના પેપર ક્યાં પ્રિન્ટ થાય છે તેની ખબર ચેરમેન અને સચિવને જ હોય છે તો ત્રીજી વ્યક્તિ કઈ રીતે જાણી શકે કે પેપરમાં શું પૂછાવવાનું છે. ચેરમેન અને સચિવમાંથી કોઈ એકે પેપર લીક કર્યું હોવાની શક્યતાઓ નકારી શકાતી નથી. યુવરાજસિંહે કહ્યું કે, અમે પૂરતા પૂરાવા આપ્યા હોવા છતાં હજુ તપાસનું નાટક કરવામાં આવી રહ્યું છે. મંડળના ચેરમેન અસિત વોરા જ પેપર લીક કાંડમાં સંડોવાયેલા હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર પણ મગનું નામ મરી પાડતી નથી.
અગાઉ ૨૦૧૪માં રેવન્યુ તલાટી, 2018માં એલઆરડી, 2018માં શિક્ષકોની ભરતી માટેની ટેટ પરીક્ષા, 2019માં બિન સચિવાલયની પરીક્ષા અને ૨૦૨૧માં ડીજીવીસીએલ વિદ્યુત સહાયકની પરીક્ષાના પેપર લીક થયા હતા અને આ કેસમાં હજુ સુધી માસ્ટર માઈન્ડ પકડાયો નથી. રાજ્ય સરકારની મહેરબાનીથી અસિત વોરાની બીજીવાર ગૌણ સેવા મંડળના ચેરમેન તરીકે વરણી કરાઈ છે અને તેમના કાર્યકાળમાં મહત્તમ પેપર લીક થયા હોવા છતાં પણ સરકાર કંઈ કરતી નથી.
પેપર લીક થયાના આક્ષેપ કરનાર આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ ખોટો હોય તો ગૌણ સેવા મંડળ કેમ તેની સામે ફરિયાદ કરતું નથી તેવા સવાલો જનતામાં ઊઠી રહ્યા છે. અસિત વોરા સુઓમોટો કરવાથી કેમ ફફડી રહ્યા છે તે સવાલ ઊઠી રહ્યા છે. ગૌણ સેવા મંડળ પાસે પૂરતી સત્તા હોવા છતાં પણ પોલીસ તપાસ કરી રહી છે તેવું કહીને છટકબારી શોધવામાં આવી રહી છે. અસિત વોરા તેમજ સચિવની પોલીસ આકરી પૂછપરછ કેમ કરતી નથી તેવા સવાલો પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. રાજ્ય સરકાર પારદર્શક ભરતી કરવાનો હેતુ ધરાવે છે પણ ગૌણ સેવા મંડળ જેવી એજન્સી કે જેના ચેરમેન સામે પેપરલીકમાં શંકાની સોય તકાઈ રહી છે ત્યારે સાચું બહાર આવશે કે કેમ તેના ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે.
અસિત વોરાની ભૂમિકા શંકાના દાયરામાં
હેડ ક્લાર્ક જ નહી અન્ય પરીક્ષાના પેપર ક્યાં છપાવવાના છે તેની જાણકારી માત્ર ચેરમેન અને સચિવને જ હોય છે. હેડક્લાર્કનું પેપર લીક થયું તે અનેક સવાલો ઉભા કરે છે. અસિત વોરા અને સચિવ સિવાય અન્ય ત્રીજું કોઈ વ્યક્તિ જાણતું નહોતું કે પેપરમાં શું પૂછાવવાનું છે તો પછી આસમાનમાંથી પેપર ટપકીને લીક થયું કે પછી જાદૂઈ ચિરાગ મારફતે પેપર લીક થયું તેવા વેધક સવાલો લોકોમાં ઊઠી રહ્યા છે. અસિત વોરાની સમગ્ર ભૂમિકા શંકાના દાયરામાં આવી રહી છે. પત્રકારોના સવાલોથી તેઓ સતત ભાગી રહ્યા છે અને પછી આત્મજ્ઞાન લાદ્યતાં પ્રેસ કોન્ફરન્સ કરીને રેકર્ડ વગાડે છે કે, અમને કોઈ પૂરાવા મળ્યા નથી, પુરાવા મળશે પછી તપાસ કરીશું. તમે કયા પુરાવાની રાહ જાેઈ રહ્યા છો, તમારી પાસે સત્તા છે તમે સુઓમોટો કરી શકો છો પણ તમે આ મામલે મગનું નામ મરી પાડતા નથી. તમારા બોડી લેંગ્વેજ ઘણું બધું કહી જાય છે તેવા સનસનીખેજ સવાલો જનતામાં ઊઠી રહ્યા છે.

