નવી દિલ્હી, ગુરુવાર
બહુચર્ચિત શીના બોરા હત્યાકાંડની મુખ્ય આરોપી ઈંદ્રાણી મુખર્જીએ એક મોટો દાવો કર્યો છે. ઈંદ્રાણી મુખર્જીનો દાવો છે કે તેની પુત્રી શીના બોરા જીવિત છે. ઈંદ્રાણી મુખર્જીએ તેની સાથે જ કહ્યું છે કે શીના કાશ્મીરમાં છે. સીબીઆઈ ડાયરેક્ટરને પત્ર લખીને ઈંદ્રાણી મુખર્જીએ આ દાવો કર્યો છે.
સીબીઆઈ ડાયરેક્ટરને લખેલા પત્રમાં ઈંદ્રાણી મુખર્જીએ કહ્યું છે કે તાજેતરમાં જેલમાં તેની મુલાકાત એક મહિલા સાથે થઈ હતી. તેણે તેને જણાવ્યું કે તેની કાશ્મીરમાં શીના બોરા સાથે મુલાકાત થઈ હતી. ઈંદ્રાણી મુખર્જીએ તેની સાથે જ સીબીઆઈ ડાયરેક્ટરને કહ્યું છે કે તે કાશ્મીરમાં શીના બોરાની શોધ કરે. શીના બોરા હત્યાકાંડમાં ઈંદ્રાણી મુખર્જી મુખ્ય આરોપી છે અને 2015થી મુંબઈની બાયકુલા જેલમાં બંધ છે.
પોતાની જામીન માટે ઈંદ્રાણી મુખર્જીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેને બોમ્બે હાઈકોર્ટે ગત મહિને નામંજૂર કરી હતી. કહેવામાં આવે છે કે હવે ઈંદ્રાણી મુખર્જી જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરે તેવી શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે ઈંદ્રાણી મુખર્જીએ ત્રણ લગ્ન કર્યા છે. તેમા તેના પહેલા પતિથી તેને એક પુત્રી હતી અને તેનું નામ શીના બોરા હતું. કહેવામાં આવે છે કે ઈંદ્રાણી મુખર્જીના ત્રીજા પતિ પીટર મુખર્જીના પુત્ર અને શીના બોરા વચ્ચે પ્રેમપ્રસંગ હતો. તેનાથી ઈંદ્રાણી મુખર્જી અને પીટર મુખર્જી બંને નાખુશ હતા.
એપ્રિલ-2012માં 24 વર્ષીય શીના બોરાની કથિતપણે નવી મુંબઈ નજીકના જંગલોમાં એક કારની અંદર ગળે ટૂંપો દઈને હત્યા કરવામાં આવી હતી અને લાશને પાડોશના રાયગઢ જિલ્લામાં ઠેકાણે લગાવી દેવામાં આવી હતી. 2015માં હત્યાના ખુલાસા બાદ મુંબઈ પોલીસે ઈંદ્રાણી મુખર્જી સિવાય તેના ડ્રાઈવર શ્યામવર રાય અને પૂર્વ પતિ સંજીવ ખન્નાને પણ એરેસ્ટ કર્યા હતા. ઈંદ્રાણીના તત્કાલિન પતિ પીટર મુખર્જીના બેદમાં આરોપી બનાવવામાં આવ્યો અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. તપાસ પ્રમાણે, ઈંદ્રાણીનો રાહુલ સાથે શીના બોરાના સંબંધનો વિરોધ અને નાણાંકીય વિવાદ હત્યાની પાછળ એક સંભવિત ઉદેશ્ય હતો. બાદમાં આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી. આ મામલામાં ઈંદ્રાણી મુખર્જી 2015થી મુંબઈની ભાયકુલા જેલમાં બંધ છે.

