HomeGujaratરાસાયણિક કૃષિના દુષ્પરિણામથી આખું વિશ્વ ત્રસ્ત, હવે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર વિકલ્પ :...

રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી આખું વિશ્વ ત્રસ્ત, હવે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર વિકલ્પ : રાજ્યપાલ

ગાંધીનગર, ગુરૂવાર

   ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એગ્રિ પ્રિ-વાઇબ્રન્ટ સમીટ-2021ના સમાપન સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ આત્મનિર્ભર ખેડૂતોથી આત્મનિર્ભર ભારતના નિર્માણનું જનઅભિયાન છે. રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિને રાસાયણ કૃષિના મજબૂત વિકલ્પ તરીકે ગણાવી ઉમેર્યું હતું કે, રાસાયણિક કૃષિ એ સ્વતંત્રતા સમયે હરિત ક્રાંતિ માટે સમયની માંગ હતી પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી વિશ્વ આખું ત્રસ્ત છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ આ દુષ્પરિણામથી મુક્તિ માટે મજબૂત વિકલ્પ છે. પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. જમીનની ફળદ્રુપતા વધે છે, દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે, કૃષિ ખર્ચ ઘટતા અને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના ભાવ પ્રમાણમાં વધારે મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. ગામના પૈસા ગામમાં રહે છે, શહેરના પૈસા પણ ગામમાં આવે છે.

   તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એક દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી 30 એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરી શકાય છે. જેમાં ઉપયોગી દેશી ગાયના છાણ-ગૌમૂત્ર સાથે બેસન-ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત અને ઘનજીવામૃતને અસરકારક કલ્ચર ગણાવતા રાજ્યપાલે જમીનમાં ભેજનું પ્રમાણ જાળવવાથી લઈને આચ્છાદનના મહત્વને સમજાવ્યું હતું.

  તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોને કારણે ખેતરમાં મિત્ર જીવોનો ક્ષય થાય છે જ્યારે જીવામૃત-ઘનજિવામૃત અને આચ્છાદનથી અળસિયા જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે જે કૃષિ પાકને પોષણ આપે છે. વાતાવરણમાં નાઇટ્રોજનને જમીનમાં સ્થાપિત કરે છે આ તકે રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિકોને જુદા જુદા સંશોધનો દ્વારા આગળ આવવા અનુરોધ પણ કર્યો હતો. રાજ્યપાલે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ સાથે બે લાખ ખેડૂતો જોડાયા હોવાનું અને ડાંગ જિલ્લાને પ્રથમ પ્રાકૃતિક કૃષિ જિલ્લો જાહેર કરવાનું શ્રેય ગુજરાતને મળ્યું છે ત્યારે પરિશ્રમની પરાકાષ્ઠા સાથે દેશભરમાં પ્રાકૃતિક કૃષિને જનઆંદોલનમાં પરિવર્તિત કરી પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા સૌને અનુરોધ કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW