ચિત્રકૂટ, બુધવાર
ચિત્રકૂટમાં ચાલી રહેલા ત્રણ દિવસીય હિંદુ એકતા મહાકુંભમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે હિંદુ ધર્મ છોડનારાઓની ઘરવાપસીનું આહવાન કર્યું છે. તેમણે કહ્યુ છે કે ભય વધારે દિવસો સુધી બાંધી શકતો નથી. અહંકારથી એકતા તૂટે છે. આપણે લોકોને જોડવા માટે કામ કરીશું. મહાકુંભમાં સામેલ થઈ રહેલા લોકોને તેમણે આનો સંકલ્પ પણ અપાવ્યો છે.
લોકોએ સંકલ્પ લેતા આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત સાથે કહ્યુ હતુ કે હું હિંદુ સંસ્કૃતિના ધર્મયોદ્ધા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામની સંકલ્પ સ્થળી પર સર્વશક્તિમાન પરમેશ્વરને સાક્ષી માનીને સંકલ્પ લઉં છું ખે હું મારા પવિત્ર હિંદુ ધર્મ, હિંદુ સંસ્કૃતિ અને હિંદુ સમાજના સંરક્ષણ, સંવર્ધન અને સુરક્ષા માટે આજીવન કાર્ય કરીશ. હું પ્રતિજ્ઞા કરું છું કે કોઈપણ હિંદુ ભાઈને હિંદુ ધર્મથી વિમુખ થવા દઈશ નહીં. જે ભાઈ ધર્મ છોડીને ચાલ્યા ગયા છે, તેમની પણ ઘરવાપસી માટે કાર્ય કરીશ. તેમને પરિવારનો હિસ્સો બનાવીશ. હું પ્રતિજ્ઞા કરું છું કે હિંદુ બહેનોની અસ્મિતા, સમ્માન અને શીલની સુરક્ષા માટે સર્વસ્વ અર્પણ કરીશ. જાતિ, વર્ગ, ભાષા, પંથના ભેદથી ઉપર ઉઠીને હિંદુ સમાજને સમરસ સશક્ત અભેદ્ય બનાવવા માટે પુરી શક્તિથી કાર્ય કરીશ.
મહત્વપૂર્ણ છે કે ચિત્રકૂટમાં હિંદુ મહાકુંભની શરૂઆત મંગળવારે 1100 શંખોના નાદ સાથે થઈ ગતી. આ ત્રણ દિવસના મહાકુંભમાં આરએસએસના સરસંઘચાલક સિવાય દેશની ઘણી મોટી હસ્તીઓ પણ હાજર છે. મહાકુંભનું આયોજન તુલસીપીઠાધીશ્વર શ્રી રામભદ્રાચાર્ય કરી રહ્યા છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ થવાના છે. કાર્યક્રમને શ્રીશ્રી રવિશંકરે પણ સંબોધિત કર્યો હતો અને તેમણે કહ્યુ હતુ કે કેટલાક લોકો એકઠા થાય છે, તો ભય પેદા થાય છે. જ્યારે જ્યાં સંત અને હિંદુ એકઠા થાય છે,ત્યાં અભય મળે છે. તેમણે કહ્યુ છે કે દેશભક્તિ અને ઈશ્વરભક્તિ એક જ છે. જે દેશભક્ત નથી, તે ઈશ્વરભક્ત પણ ન હોઈ શકે.
શ્રી રવિશંકરે હિંદુ મહાકુંભના 12 મુદ્દાઓનું સમર્થન કર્યું. આ મુદ્દાઓમાં – રાષ્ટ્રીય અસ્મિતાના પ્રતીક શ્રીરામ મંદિર, દેવસ્થાનોની પરંપરા નષ્ટ કરી રહેલા સરકારી નિયંત્રણ, ધર્માંતરણના આંતરરાષ્ટ્રીય ષડયંત્ર, દેશમાં વસ્તી નિયંત્રણ કાયદાની જરૂર, સમાન નાગરિકતાનો અધિકાર, લવજેહાદથી યુવા પેઢીમાં ભટકાવ, ભારતીય દર્શન આધારીત શિક્ષણ જરૂરી, ધર્મમાં વ્યસનના ત્યાગને અનિવાર્ય કરવો,ગૌરક્ષાનો નક્કર પ્રયાસ, માતૃશક્તિને સશક્ત બનાવવી જરૂરી, હિંદુ ધર્મ સંદર્ભે દુષ્પ્રચાર બંધ થા અને પર્યાવરણ પ્રદૂષણ પર રોક લાગે.

