ગાંધીનગર,બુધવાર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી લેખિત પરીક્ષાઓમાં અવારનવાર પેપર લીક થવાની ફરિયાદો ઉભી થતી રહી છે. ત્યારે ફરી એકવાર યુવરાજસિંહ જાડેજા નામના શખ્સે રવિવારે લેવાયેલ હેડક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હોવાના આક્ષેપ લગાવ્યા છે. એટલું જ નહીં આ મુદ્દે સચિવને જાણ કરી હોવાના પણ દાવા કરાઈ રહ્યા છે.
યુવરાજસિંહ જાડેજાએ દાવો કહ્યો છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવામા આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર હિંમતનગરથી શનિવારે જ લીક થઈ ગયું હતું. અને પેપર 10 થી 12 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. અને આ પેપર અંદાજીત 72 જેટલા ઉમેદવારો પાસે પહોંચ્યું હોવાનો પણ દાવો કરાયો છે. સૌથી ખાસ વાત તો એ છે કે, હેડક્લાર્કની લેખિત પરીક્ષાનું પેપર લીક થયાની હાર્ડ કોપીના પુરાવા પણ યુવરાજસિંહ જાડેજા દ્વારા રજૂ કરાયા છે. અને એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, પ્રાંતિજના ઊંછા સ્થિત ફાર્મ હાઉસમાં 16 વિદ્યાર્થીઓ હાજર હતા. તેમને પેપર આપ્યુ હતું અને બે જણાંએ 200 પ્રશ્નો ચોપડીમાંથી સોલ્વ કરાવ્યા હતા. જોકે બીજી તરફ કોબા ખાતે આવેલ મધુરી મનસુખ વસા સંસ્થાના એક વિદ્યાર્થીને પરીક્ષા પછી સ્કૂલની બહાર એક ચબરખી મળી આવી હતી. જેમાં જવાબ લખેલા હતા. આ બંને વસ્તુઓ હાલ ખુબ વાયરલ થઈ રહી છે.

