ગાંધીનગર,બુધવાર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે 12મી ડિસેમ્બરે લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાની ફરિયાદ ઉઠી છે. હિંમતનગર-પ્રાંતિજના કોઈ ફાર્મ હાઉસમાંથી એક દિવસ અગાઉ શનિવારે જ પેપર લીક થઈ ગયું હોવાનું સામે આવ્યું છે અને ઉમેદવારો પાસે 10 થી 12 લાખ રૃપિયામાં પેપર પહોંચ્યું હોવાની ફરિયાદને પગલે પોલીસે તપાસ પણ શરૃ કરી દીધી હતી.ત્યારે હેડ કલાર્કનું પેપર લીક મુદ્દે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મોટું નિવેદન આપ્યું છે.
વર્ગ-3 હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મુદ્દે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પૂછવામાં આવતા તેઓએ દાવો કર્યો કે સરકાર કોઇપણ ભ્રષ્ટાચારીને છાવરવા માંગતી નથી. આ સાથે રાજેન્દ્ર ત્રિવેદીએ દાવો કર્યો કે પેપર લીકના આક્ષેપો પર તપાસ શરૂ કરાઇ છે. જેમાં એસઓજી અને એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ સાથે રાજેન્દ્ર ત્રિવેદીએ દાવો કર્યો કે જો પેપર લીક થયું હશે તો કાર્યવાહી કરાશે.
મળતી માહિતી મુજબ એલઆરડીનું પેપર જે જિલ્લામાંથી લીક થયુ હતુ ત્યાંથી જ હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયુ છે. હિંમતનગરના જ કોઈ યુવાન દ્વારા પેપર લીકનો વહિવટ કરવામા આવ્યો હતો અને એક પેપર દીઠ આ વ્યક્તિને બેથી અઢી લાખ મળતા હતા. એલઆરડીની પરીક્ષાનું પેપર લીક થયુ હતુ તે જ મોડેસ ઓપરેન્ડી દ્વારા હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયુ હોવાની શક્યતા છે.આ અંગે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેને જણાવ્યુ હતુ કે હજુ સુધી અમારી પાસે પેપર લીક થયાની કોઈ ફરિયાદ આવી નથી.પરંતુ પોલીસે પોતાની રીતે તપાસ શરૃ કરી છે.સરકાર તરફથી જે પણ આદેશ મળશે તે મુજબ મંડળ દ્વારા આગળની કાર્યવાહી કરાશે.

