અમદાવાદ, બુધવાર
ગુજરાત અને મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદના લીધે કસમયે લણણી કરવાને કારણે સ્ટ્રોબેરીના પાકને મોટો ફટકો પડયો છે અને પાક પર તેની વિપરિત અસર થઇ છે. ગત કેટલાક વર્ષોથી સ્ટ્રોબેરીની માગમાં વધારો થયો છે, આઇસ્ક્રિમ, ચોકલેટ, જામ વગેરે બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સ્ટ્રોબેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાને કારણે પ્રોસેસિંગ ઉદ્યોગમાં તેની માગમાં વધારો થયો છે. હાલ બજારમાં સ્ટ્રોબેરીનું ગ્રેડના આધારે 100 થી લઇને 300 રૂપિયા સુધીના ભાવે વેચાણ થાય છે. જે ભાવે સ્ટ્રોબેરીનું વેચાણ થઇ રહ્યું છે તે ગત વર્ષની સરખામણીમાં અપેક્ષા કરતાં ઘણું ઓછું છે.
મહારાષ્ટ્રના મહાબળેશ્વર, પંચગની વિસ્તારમાં તો ખેડૂતો દ્વારા સ્ટ્રોબેરીના ખરાબ પાકને ડેમ પર ફેંકી દેવાની ઘટનાઓ પણ બની હતી. આ બાબતની સીધી અસર ફ્રૂટ માર્કેટમાં જોવા મળી રહી છે. ગત સપ્તાહના કમોસમી વરસાદ અને ધુમ્મસના કારણે સ્ટ્રોબેરીના પાકને મોટું નુકસાન થયું હોવાથી આ વર્ષે નાતાલ પર સ્ટ્રોબેરીની અછત વર્તાઇ શકે છે તેમજ અત્યારે જે માલ બજારમાં આવી રહ્યો છે તેમાંથી પણ મોટાભાગનો માલ નબળી ગુણવત્તાનો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. એપીએમસી માર્કેટમાં ડિસેમ્બર મહિનામાં તેની આવક મોટી સંખ્યામાં આવતી હોય છે. (તસવીર પ્રતિકાત્મક છે)

