નવી દિલ્હી, મંગળવાર
ચીન દુનિયાભરમાં સૈન્ય ઠેકાણાઓનું નિર્માણ કરી રહ્યું છે અથવા નિર્માણની કોશિશમાં લાગેલું છે. જો કે અત્યાર સુધીમાં તેના માત્ર એક મિલિટ્રી બેસની સત્તાવાર પુષ્ટિ થઈ શકી છે. પરંતુ રિપોર્ટ્સ જણાવે છે કે ચીન વધુમાં વધુ સૈન્ય ઠેકાણાઓના નિર્માણની શક્ય તમામ કોશિશોમાં લાગેલું છે.
તાજેતરના મીડિયા અહેવાલોના દાવા મુજબ, ચીને મિલિટ્રી બેસ માટે ઈક્વેટોરિયલ ગિની અને સંયુક્ત આરબ અમીરાત પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. મીડિયા અહેવાલ મુજબ, ચીન ઈક્વેટોરિયલ ગિનીમાં પોતાનાનું પહેલું એટલાન્ટિક મિલિટ્રી બેસ બનાવવાની કોશિશ કરી રહ્યું છે. તાજેતરમાં અમેરિકા દ્વારા યુએઈને ચેતવણી આપવામાં આવ્યા બાદ અબુધાબીથી 80 કિલોમીટર ઉત્તરમાં ખલીફાના કાર્ગો પોર્ટ પર નિર્માણકાર્ય રોકી દેવામાં આવ્યું હતું. એવા અહેવાલ હતા કે ત્યાં સૈન્ય સુવિધાઓ વિકસિત કરવામાં ચીન લાગેલું હતું.
કંબોડિયામાં બેસ બનાવવાની ચીનની કોશિશ?
કમ્બોડિયામાં પણ મિલિટ્રી બેસ બનાવવા માટે ચીન હવાતિયાં મારી રહ્યું છે. ઓક્ટોબર-2020માં કમ્બોડિયાના રીમ નેવલ બેસમાં અમેરિકા દ્વારા ફંડ કરવામાં આવેલી બે ઈમારતોને તોડી પાડવામાં આવી. બાદમાં કમ્બોડિયાના સંરક્ષણ મંત્રી ટી બાને કહ્યુ કે ચીન બેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે મદદ કરી રહ્યું છે. વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીની સેનાને નૌસૈન્ય સુવિધાઓનો ઉપયોગ કરવા દેવા માટે 30 વર્ષ માટેનો ગુપ્ત કરાર કરવામાં આવ્યો છે. જો કે કમ્બોડિયાની સરકારે આ વાતને રદિયો આપ્યો છે.
સોલોમન ટાપુમાં 5 વર્ષ માટે લીઝ પર લેવામાં આવ્યું તુલાગી ક્ષેત્ર?
2018માં ચીન પ્રશાંત ક્ષેત્રમાં મિલિટ્રી બેસને લઈને ચર્ચામાં હતું. ચીન વાનુઅતુમાં આમ કરવાની કોશિશમાં હતું. તાજેતરમાં સોલોમન ટાપુમાં પણ ચીનની ભાગીદારીની ચર્ચા છે. 2019માં સોલોમન અધિકારીઓએ એક વિશેષ આર્થિક ક્ષેત્ર માટે એખ ચીની ડેવલપરને તુલાગી ટાપુને લીઝ પર આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 22 સપ્ટેમ્બર, 2019ના સેન્ટ્રલ પ્રોવિન્સ કરારપર હસ્તાક્ષર થયા. પરંતુ આ ક્યારેય પૂર્ણ થઈ શક્યા નહીં. જો કે અહેવાલો જણાવે છે કે સોલોમને ચીનને પાંચ વર્ષ માટે લીઝ પર તુલાગી અને આસપાસના ટાપુ આપ્યા છે.
ભારતને ઘેરવાની કોશિશમાં ચીન?
2017માં ચીને જિબૂતીમાં પોતાનો પહેલો વિદેશી મિલિટ્રી બેસ સ્થાપિત કર્યો હતો. ચીને આને સ્ટ્રેટજીક પોઈન્ટ અને લોજિસ્ટિક્સ બેસ બનાવ્યો છે. અહીં ચીને ઘણાં એટેક હેલિકોપ્ટરો, વિધ્વંસક જહાજોની તહેનાતી કરી છે. ચીને જિબૂતી બેસ પર જિબૂતી સાર્વભૌમ હવાઈ ક્ષેત્રને પ્રતિબંધિત કરવાની માગણી કરી છે. જિબૂતી બેસની સ્થાપના ચીન દ્વારા ચાંચિયાઓના સફાયા માટે કરવામાં આવી હતી. જેને બાદમાં ચીને પોતાનો મિલિટ્રી બેસ બનાવી લીધો છે.
અમેરિકાએ ચીનના સંભવિત નવા મિલિટ્રી બેસનું એક લિસ્ટ બનાવ્યું છે. આ યાદીમાં મ્યાંમાર, શ્રીલંકા, પાકિસ્તાન, યુએઈ જેવા દેશો પણ સામેલ છે, જે ભારત માટે સારા સમાચાર નથી. અમેરિકાના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીને જે ઉદેશ્યથી પાકિસ્તાનના ગ્વાદરમાં રોકાણ કરવાનું શરૂ કર્યું, તે દૂરદૂર સુધી પૂર્ણ થતું દેખાય રહ્યું નથી. પરંતુ આ તમામ બાબતો છતાં ચીને ગ્વાદર પોર્ટથી આશાઓને સંપૂર્ણપણે છોડી નથી.

