ગુજરાતમાં ધીમેધીમે ફરીથી કોરોના નામનો ફણીધર ફૂંફાડા મારવા માંડ્યો છે. પહેલા એક આંકડામાં આવનારા કેસો છેલ્લા બે-ત્રણ દિવસથી ડબલ ડિઝિટમાં સ્થિર થઈ ગયા છે એ અત્યંત ગંભીર બાબત છે અને જાહેર આરોગ્ય માટે રેડ સિગ્નલ પણ છે. કોરોનાના ઉપરાછાપરી કેસો આવ્યા પછી આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર ચોંકી ઊઠયા અને કોરોના સામેની ઝુંબેશ વધુ વેગવંતી બનાવી દેવામાં આવી છે.
જોકે, જ્યાં સુધી નાગરિકો પોતે જ સ્વયંશિસ્ત નહીં કેળવે ત્યાં સુધી જાહેર આરોગ્ય પર ખતરાની તલવાર ઝળુંબતી જ રહેવાની છે. કોરોનાની બીજી લહેર સમાપ્ત થતાંની સાથે ફરીથી એ જ બેદરકારી અને લાપરવાહી દેખાવા માંડી છે. ચા અને પાનના ગલ્લાઓ ઉપર ઊમટતા ટોળા, સીટી બસની ભીડ કે પછી સ્કૂલ રિક્ષા કે બસમાં ઠાંસી ઠાંસીને લઇ જવાતા બાળકોના દ્રશ્યો વિવિધ શહેરોમાં ફરીથી સામાન્ય બનવા માંડ્યા છે. શહેરનો બુદ્ધિજીવી વર્ગ તથા તબીબી જગત આવા દ્રશ્યોથી ચિંતાતુર છે પણ તેઓ અરસપરસ બળાપો કાઢવા સિવાય કશું જ કરી શકે તેમ નથી. આવા દ્રશ્યોની ભરમાર સતત ચાલુ જ રહે તો પછી સરકારી ટીમો ઘરે ઘરે જઈને ગમે તેટલી ‘દસ્તક’ દે એનો પણ કોઈ અર્થ સરવાનો નથી.
વહીવટીતંત્ર અને તબીબી જગતની સાથે જાહેર જનતાએ પણ ખભેખભા મિલાવીને ફરી એકવાર આ યુદ્ધ લડવાનો સમય આવી ગયો છે. ફરીથી લોકડાઉન ન આવે, જાહેર સ્થળોએ પ્રવેશબંધી ન થાય, ધાર્મિક સ્થાનોના દરવાજા ભક્તો માટે બંધ ન થઈ જાય, ધંધા-રોજગાર પડી ન ભાંગે, પોલીસ કર્મચારીઓએ હાથમાં દંડા સાથે રોડ પર ઉતરીને ફરજિયાત સંચારબંધી ન કરાવવી પડે અને શાળા-કોલેજોનું શિક્ષણ નિર્વિઘ્ને ચાલતું રહે તેવું આપણે બધા ઈચ્છીએ છીએ અને એના માટે જ વિનાકારણ ઘરની બહાર નીકળવાનું ટાળીને કોરોના ગાઈડલાઈનનું સ્વયંશિસ્તથી પાલન કરીએ એ અત્યારના સમયનો તકાદો છે. માત્ર વહીવટી તંત્રને તબીબી ક્ષેત્ર જ આ મામલે ચિંતા કર્યા કરે એમાં કાંઈ જ વળવાનું નથી. આ સંયુક્ત લડાઈ છે અને બધાએ ભેગા મળીને ફરજિયાત લડવાની છે. (તસવીર પ્રતિકાત્મક છે)

