મુંબઈ, સોમવાર
ભારતીય શેરબજારોમાં આજે 13 ડિસેમ્બર, 2021ના રોજ કડાકો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 503.25 અંક એટલે કે 0.86 ટકાના ઘટાડા સાથે 58283.42ના સ્તરે બંધ થયો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ આજે 143 અંક એટલે કે 0.82 ટકાના ઘટાડા સાથે 17368.30ના સ્તરે બંધ થયો. શેરબજારોમાં આજે બેંક અને ઓટો સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો.
નિફ્ટી બેંક અને ઓટોના શેરોમાં ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી બેંક 180.40 અંકના ઘટાડા સાથે 36925.30ના સ્તર પર બંધ થયો. નિફ્ટી ઓટો 0.30 ટકા એટલે કે 32.85 અંકના મામૂલી ઘટાડા સાથે 11047.20ના સ્તરે બંધ થયો. તો નિફ્ટી આઈટી આજે 111 અંકના ઉછાળા સાથે 36050.60ના સ્તરે પહોંચ્યો. જ્યારે બીએસઈ સ્મોલકેપમાં આજે તેજી જોવા મળી અને તે 0.24 ટકા એટલે કે 71.38 અંક વધીને 29332.19ના સ્તરે બંધ થયો. જ્યારે બીએસઈ મિડકેપ 0.53 ટકાના ઘટાડા સાથે 25571.64 અંક પર બંધ થયો.
સેન્સેક્સમાં આજે બજાજ ફાયનાન્સના સ્ટોક ટોપ લૂઝર રહ્યા. કંપનીના શેરમાં 3.14 ટકાનો ઘટાડો નોંધાયો. આ સિવાય બજાજ ફિનસર્વમાં 2.19 ટકા, ટાટા કન્ઝૂમર પ્રોડ્ક્ટ્સના સ્ટોકમાં 2.02 ટકા, રિલાયન્સના શેર 2 ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના સ્ટોક્સ 1.93 ટકા ગગડયા હતા. ભારત સિવાય એશિયાના બજારોમાં હોંગકોંગનો હેંગસેંગ લાલ નિશાને બંધ થયો. ચીનનો શાંઘાઈ કોમ્પોઝિટ અને ટોક્યોના શેર બજાર લીલા નિશાને બંધ થયા. આ સિવાય યૂરોપિયન બજારોમાં આજે મિશ્રિત વલણ જોવા મળ્યું. સેન્સેક્સમાં આજે એક્સિસ બેંકના સ્ટોક ટોપ ગેનર રહ્યા. કંપનીના શેરમાં 2.32 ટકાનો ઉછાળો નોંધાયો. તેના સિવાય ટેક મહિન્દ્રાના શેરમાં 2.22 ટકા, મારુતિ સુઝુકીના શેરમાં 1.22 ટકા, વિપ્રોમાં 1.12 ટકા અને એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સના શેરોમાં 0.94 ટકાની તેજી નોંધાય હતી.

