રાજ્યના મહાનગર જ નહીં પણ અનેક જિલ્લાઓ અને નાના શહેરમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ વકરી રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ સહિતના મહાનગરમાંથી ઢોરને શહેરની સીમા બહાર વસાવવા માટે જમીન ફાળવવા જાહેર હિતની યોજનાને હવે તંત્રએ અભેરાઈએ ચડાવી દીધી છે. બીજી બાજુ પ્રદેશ પ્રમુખ પાટીલ તમામ મહાનગરમાં સુરતની જેમ પગલાં લેવા માટે પદાધિકારીઓને રોજેરોજ ટકોર કરે છે. આ સમગ્ર મામલે સક્રિય પગલાંને અભાવે નિર્દોષ નાગરિકો દરરોજ રખડતા ઢોરનો ભોગ બની રહ્યા છે.
રવિવારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં વણઝર ખાતે જાનૈયાઓ વરરાજાને ઘોડા પર બેસાડીને ધામધુમ સાથે લગ્ન કરવા માટે જતા હતા. એમાં એકાએક સાંઢ ધસી આવતા આઠથી દસ જાનૈયાઓને અડફેટે લીધા હતા. જોકે, આ ઘટનામાં ખાસ કોઈને ગંભીર ઈજા થઈ નથી. થોડા દિવસ પહેલા ગીર સોમનાથમાં એક સાંઢે શિગડું મારીને ઈજા કરતા વૃદ્ધાનું મોત થયું હતું. માત્ર અમદાવાદ, ગીર સોમનાથ જ નહીં વલસાડ, બોટાદ, ભાવનગર, રાજકોટ, જામનગર, વાપી, વડોદરા, જેવા વિસ્તારમાં પણ મહિનામાં વીસથી વધારે ઘટનાઓ રાજ્યભરમાં બની છે.
રખડતા ઢોરને કારણે નાગરિકો હેરાન પરેશાન થાય છે. જ્યારે ગમે ત્યાં બેસી રહેતા પશુ જાહેર માર્ગ પર ટ્રાફિક જામ કરી દે છે. તો ક્યારેક ગમખ્વાર અકસ્માત માટે પણ કારણભૂત બની રહે છે. જેની સામે તંત્ર માત્ર સામાન્ય રીતે ઢોરને પાંજરે પૂરવાની કામગીરી કરી જાણે છે. તો ઢોર માલિકો દંડના પૈસા ભરીને ફરી એને રખડતા મૂકી દે છે. પણ આમાંથી પ્રજાને કોઈ રીતે રાહત મળતી નથી. પ્રદેશ પ્રમુખ પાટીલે વડોદરામાં તો ખુલ્લા મંચ પરથી મેયરને ટકોર કરી હતી. પણ આ પછી તંત્રમાં બેઠેલા શાસક પક્ષના નેતાઓના પેટનું પાણ હલ્યું નથી. મહાનગરમાં ઢોરના માલિકો પણ તંત્રની સામે થઈ રહ્યા હોય એવી સ્થિતિ છે.

