નવી દિલ્હી, સોમવાર
કોરોનાને કારણે જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાના મામલામાં સોમવારે સુપ્રીમ કોર્ટે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારને ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે યોજના અને અરજી પ્રક્રિયા સંદર્ભે પ્રચાર કરવા માટે પુરતો પ્રયાસ નહીં કરવાના મામલે ઠપકો પણ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને વળતરના વિતરણમાં ઝડપ લાવવા માટે તાકીદ કરતા કહ્યું છે કે એક સપ્તાહની અંદર તમામ વિલંબિત અરજદારોને વળતર આપવામાં આવે. મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે 87 હજાર અરજીઓ પ્રાપ્ત થઈ, જેમાંથી 8 હજાર અરજીઓ સ્વીકાર્યા બાદ વળતર આપવાની પ્રક્રિયા ચાલુ છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે 30 સપ્ટેમ્બર સુધીમાં અમે 50 હજાર અરજીઓ પર વળતરનું વિતરણ કરીશું. આ પહેલા જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ બી. વી. નાગરત્નાની બે જજોની ખંડપીઠે મામલાની સુનાવણી કરતા કહ્યું હતું કે અમે મહારાષ્ટ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામાથી બિલકુલ ખુશ નથી. મહારાષ્ટ્રમાં માત્ર 1 લાખથી વધારે મોત નોંધાયા છે, પરંતુ અરજીઓ માત્ર 37 હજાર પ્રાપ્ત થઈ છે. હજીપણ એકપણ વ્યક્તિને વળતર આપવામાં આવ્યું નથી. તેમણે કહ્યું હતું કે આ હાસ્યાસ્પદ હતું અને આને સ્વીકારી શકાય નહીં.
મહારાષ્ટ્ર સરકારના વકીલ સચિન પાટિલે વળતરની ચુકવણી શરૂ કરવા માટે વધુ સમય માંગ્યો હતો અને કહ્યુ હતુ કે અમે જલ્દીથી પાલન કરવા મામલે એક સોગંદનામું દાખલ કરીશું. આના પર જસ્ટિસ શાહે તેમને ચેતવણી આપી હતી કે કોર્ટ રાજ્ય સરકાર વિરુદ્ધ કડકાઈ દાખવશે. તેમણે કહ્યું હતું કે તમે આને (સોગંદનામું) તમારા ખિસ્સામાં મૂકો અને તમારા મુખ્યમંત્રીને આપો. સુપ્રીમ કોર્ટે ત્યારે મહારાષ્ટ્ર સરકારને તાત્કાલિક વળતરની ચુકવણી શરૂ કરવા માટે આદેશ આપ્યો હતો. પશ્ચિમ બંગાળના મામલામાં કોર્ટે કહ્યું હતું કે 19 હજારથી વધુ કોવિડ ડેથ થયા છે. પરંતુ માત્ર 467 અરજી મળી છે. આના સિવાય આમાથી માત્ર 110ને જ હજીસુધી વળતર આપવામાં આવ્યું છે.
તો સુપ્રીમ કોર્ટે વળતર આપવા સંદર્ભે આપવામાં આવેલા નિર્દોશોથી વિપરીત નોટિફિકેશન જાહેર કરવા પર 15 નવેમ્બરે ગુજરાત સરકારથી નાખુશી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે 4 ઓક્ટોબરે કહ્યું હતું કે કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારજનને 50 હજાર રૂપિયાનું વળતર આપવાથી કોઈપણ સરકાર માત્ર એ આધારે ઈન્કાર કરી શકે નહીં કે મૃત્યુના પ્રમાણપત્રમાં કારણમાં વાઈરસનો ઉલ્લેખ નથી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે સંબંધિત જિલ્લા આફત પ્રબંધન પ્રાધિકરણ અથવા જિલ્લા પ્રશાસનમાં કોરોનાને કારણે મૃત્યુનું સર્ટિફિકેટ અને કારણ કોવિડ-19ના કારણથી મૃત્યુ પ્રમાણિત કરવાની સાથે અરજી કરવાની તારીખના 30 દિવસની અંદર વળતર આપવાનું હોય છે. જસ્ટિસ શાહ અને જસ્ટિસ નાગરત્નાની ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે મામલો આવ્યો હતો.

