જહોનિસબર્ગ, સોમવાર
દક્ષિણ આફ્રિકામાં જે વૈજ્ઞાનિકોએ કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિએન્ટની ભાળ મેળવી હતી, તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આના સંદર્ભે એક પત્ર દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામાફોસાને પણ મોકલવામાં આવ્યો છે.
દક્ષિણ આફ્રિકાની વેબસાઈટ સન્ડે ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોએ આ ધમકી આપી છે, તેમના સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી છે. આ પત્રમાં ધમકી આપનારાઓએ લખ્યું છે કે વૈજ્ઞાનિકોએ આ વેરિએન્ટને લઈને લોકોની વચ્ચે ગભરાટ પેદા કરી દીધો હતો. આના સંદર્ભે એક પત્ર દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામફોસાને પણ મોકલવામાં આવ્યો હતો. તેના પછી સુરક્ષા એજન્સીઓ સાવધ થઈ ગઈ હતી. આ ધમકીવાળા પત્રમાં ગ્લેંડા ગ્રે અને પ્રોફેસર તુલિયો ડિ ઓલિવિએયરાના નામનો ઉલ્લેખ હતો. તુલિયો ડિ ઓલિવિએયરા ક્વાજલૂ નટાલ રિસર્ચ ઈનોવેશનના હેડ છે.
અહેવાલ છે કે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામાફોસા કોરોનાગ્રસ્ત થયા છે. તેમણે ટ્વિટ કરીને આના સંદર્ભે જાણકારી આપી છે. તેની સાથે દક્ષિણ આફ્રિકાના નાગરિકોનો તેમણે ધન્યવાદ માનતા કહ્યુ છે કે તેમણે તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામાફોસાના સારા સ્વાસ્થ્યની કામના કરી છે. મહત્વપૂર્ણ છે કે સિરિલ રામાફોસા સંપૂર્ણપણે વેક્સિનેટેડ છે.

