લંડન, સોમવાર
લંડનમાં નિર્વાસિત જીવન વિતાવી રહેલા પાકિસ્તાનની મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાર્ટીના નેતા અલ્તાફ હુસૈને ભારતને અપીલ કરી છે કે તેઓ અને બ્રિટન પાકિસ્તાનના ચુંગલમાંથી સિંધ અને બલૂચિસ્તાનને મુક્ત કરાવે. મહત્વપૂર્ણ છે કે આવા પ્રકારની અપીલ અલ્તાફ હુસૈન પહેલા પણ ઘણીવાર કરી ચુક્યા છે.
મુત્તાહિદા કૌમી મૂવમેન્ટના નેતા અલ્તાફ હુસૈને સંયુક્ત રાષ્ટ્ર, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીયસંસદ અને બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસનને પાકિસ્તાનના કબજામાંથી સિંધ અને બલૂચિસ્તાનને મુક્ત કરાવવાની માગણી કરી છે. તેમણે કહ્યુ છે કે આ વિસ્તારોમાં પાકિસ્તાની સેના અને શાસક દશકાઓથી અત્યાચાર અને લોકોની હત્યાઓ કરી રહ્યા છે. લોકોને ગાયબ કરી રહ્યા છે. આ બધું સહન કરવાની મર્યાદાની પાર જતું રહ્યું છે. માટે ભારત અને બ્રિટનના વડાપ્રધાનો દુનિયાના તમામ લોકશાહી દેશો સાથે મળીને બંને પ્રદેશોને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવે.
અલ્તાફ હુસૈને પોતાના એક સંદેશમાં કહ્યુ છે કે પાકિસ્તાનની સરકાર અને સેના આતંકવાદી જૂથો સાથે મળીને બંને પ્રદેશોમાં ભયનું વાતાવરણ પેદા કરી ચુક્યા છે. તેની સાથે ભારત અને અન્ય પાડોશી દેશોમાં આતંકવાદીઓને મોકલીને તેઓ ત્યાં ખૂનખરાબા કરાવે છે. તેમના કૃત્યો પર વિનાવિલંબે રોક લગાવવાની જરૂરત છે. મહત્વપૂર્ણ છે કે એમક્યૂએમના નેતા લાંબા સમયથી બ્રિટનમાં રહીને પાકિસ્તાનના ઉત્પીડિત લોકોનો અવાજ બુલંદ કરી રહ્યા છે.
અલ્તાફ હુસૈન ઘણાં લાંબા સમયથી લંડનમાં નિરાશ્રિત જીવન વિતાવી રહ્યા છે. તેઓ લંડનથી જ પોતાની રાજકીય પાર્ટીની ગતિવિધિઓમાં ભાગ લેતા રહે છે. પાકિસ્તાન સરકાર તરફથી તેમના પર ઘણાં કેસ નોંધવામાં આવ્યા છે. અલ્તાફ હુસૈનને ભારતના ટેકેદાર પણ માનવામાં આવે છે. ઘણીવાર પહેલા પણ તેઓ આવા પ્રકારની અપીલ ભારતને કરી ચુક્યા છે.
તેમનો આરોપ છે કે વિભાજન બાદ ભારતથી પાકિસ્તાન આવનારાઓને ત્યાંની સરકારે હંમેશા છેતર્યા છે. તેમને હંમેશાથી અલગ સમજીને તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું અને તેમને જેલમાં ઠૂંસી દેવામાં આવ્યા. યાતનાઓ આપવામાં આવી. સરકારી નોકરીઓનો પણ લાભ તેમને ઓછો જ મળ્યો. અલ્તાફ હુસૈન વખતોવખત પાકિસ્તાની સરકાર અને સેનાના અત્યાચારોને સામે લાવવાનું કામ કરી રહ્યા છે.

