નવી દિલ્હી, રવિવાર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારે શનિવારે દાવો કર્યો છે કે પુરોગામી યુપીએ સરકારે તથાકથિત ભગવા આતંકવાદના ખોટા કેસમાં તેમને ફસાવવા માટે પોતાની પુરી શક્તિ લગાવી દીધી હતી. ઈન્દ્રેશ કુમારે શનિવારે સંઘ સાથે જોડાયેલા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ અને અન્ય સંગઠનો દ્વારા આયોજીત સેમિનારને સંબોધિત કર્યો હતો. આ સેમિનારના આખરમાં એક પ્રસ્તાવ પારીત કરીને સરકાર સમક્ષ માગણી કરવામાં આવી હતી કે જાતિ અને ધર્મને આતંકવાદ સાથે જોડવાનું બંધ કરવામાં આવે અને આમ કરનારાઓને કાયદાકીય રીતે દંડિત કરવામાં આવે.
ઈન્દ્રેશ કુમારે કહ્યુ હતુ કે જાતિ અને ધર્મને આતંકવાદની સાથે જોડવા જોઈએ નહીં, કારણ કે આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓ દ્વારા આવા પ્રકારના ગઠજોડનું પોતાના ફાયદામાં શોષણ કરવામાં આવે છે. તેને પ્રતિબંધિત કરવું જોઈએ અને કાયદાકીય રીતે દંડનીય અપરાધ ગણાવવો જોઈએ. ધર્મ અને જાતિના નામ પર કોઈનું પણ થઈ રહેલું શોષણ રોકવું જીએ, નિંદા થવી જોઈએ અને તેના હેઠલ દંડિત કરવામાં આવે.
પુરોગામી યુપીએ સરકારને નિશાને લેતા ઈન્દ્રેશ કુમારે કહ્યુ હતુ કે જ્યારે યુપીએ સત્તામાં હતું, તો મારી વિરુદ્ધ ભગવા આતંકના નામે 300થી 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરી, આખી મશીનરી લગાવી દીધી. પરંતુ તેમ છતાં પણ આરોપી તરીકે તેઓ મારું નામ સામેલ કરાવી શક્યા નહીં. પછી તે બિચારી સરકારને લોકોએ 2014માં સત્તા બહાર તગેડી દીધી હતી.
તેમણે કહ્યુ હતુ કે મારું નામ સાક્ષીઓ અથવા આરોપીઓની યાદીમાં ન હતું. પરંતુ આખી દુનિયાને જણાવવામાં આવ્યું હતું કે ઈંદ્રેશ કુમાર સામેલ હતા. તેમની વિરુદ્ધ એક મામલો હતો. મે આટલું મોટું જૂઠ્ઠાણું જોયું છે. આ મામલાનો ઉલ્લેખ કરતા આરએસએસના નેતાએ લોકોને હાકલ કરી છે કે જે ખોટું છે, તેની વિરુદ્ધ અવાજ ઉઠાવવાથી બિલકુલ ડરશો નહીં. તેમણે કહ્યુ છે કે જ્યારે તમે ઈમાનદાર હોવ છો અને સચ્ચાઈ તથા માનવતા સાથે ઉભેલા હોવ છો, તો દુનિયામાં કોઈપણ તમને કોઈ જ નુકસાન પહોંચાડી શકતું નથી.
તેમણે કહ્યુ હતુ કે ભારતમાં ધર્મોને લઘુમતી અને બહુમતી તરીકે વિભાજીત કરશો નહીં અને આવી બાબતને તેમણે વિચિત્ર સ્થિતિ ગણાવી હતી. ઈન્દ્રેશ કુમારે કહ્યુ છે કે ધર્મ વ્યક્તિના વિકાસ માટે છે, માણસોમાં માણસાય પેદા કરવા માટે છે. ધર્મને લઘુમતી અને બહુમતી તરીકે વહેંચવો જ ખુદ અમાનવીય અને દ્વેષપૂર્ણ છે. આ મૂળભૂત રીતે વોટબેંકની રાજનીતિ છે.

