ચંદીગઢ, રવિવાર
પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધીએ બાબા બકાલામાં એક રેલીને સંબોધિત કરતા એક ટીપ્પણી કરી છે. તેમણે આ ટીપ્પણી દ્વારા ફરી એકવાર કોંગ્રેસ હાઈકમાન્ડ સામે મોરચો ખોલ્યો છે. સિદ્ધૂએ કહ્યુ છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ નવજોતસિંહ સિદ્ધૂની પાંખો કાપી નાખી છે. સિદ્ધૂ પ્રમાણે, તેઓ એક એવા પ્રદેશ પ્રમુખ છે, જેમની પાસે કોઈ શક્તિ નથી. અમૃતસરમાં એક રેલીમાં સિદ્ધૂએ કહ્યુ છે કે તેમને એટલી પણ શક્તિઓ આપવામાં આવી નથી કે એક સચિવ અથવા તો પછી મહાસચિની પણ નિયુક્તિ કરી શકે.
સિદ્ધૂએ કહ્યુ છે કે મને પ્રશાસનની શક્તિ અપાય નથી. માત્ર સંગઠનના પ્રધાન છે. આના પહેલા તેઓ કહેતા હતા કે જો નિર્ણય લેવાની છૂટ આપવામાં નહીં આવે તો ઈંટથી ઈંટ વગાડી દેશ. સિદ્ધૂનું આ દર્ધ એટલા માટે છલક્યું છે, કારણ કે તેમણે પોતાની ઈચ્છાથી જિલ્લા પ્રમુખોની યાદી તૈયાર કરીને મોકલી હતી. તેને કોંગ્રેસ હાઈકમાન્ડે રોકી દીધી હતી. સિદ્ધૂ ચાહતા હતા કે પૂર્વ પ્રદેશ પ્રમુખ સુનીલ જાખડ દ્વારા નિયુક્ત 22 જિલ્લા પ્રમુખોને હટાવવામાં આવે અને તેમના દ્વારા સોંપવામાં આવેલી યાદી પ્રમાણે નિયુક્તિ કરવામાં આવે.જો કે સિદ્ધૂને ઘણી ચૂંટણી સમિતિઓમાંથી અવગણ્યા બાદ પાર્ટીએ 22 જિલ્લા પ્રમુખોની યાદી જાહેર કરી છે. સૂત્રો કહે છે કે આ જિલ્લા પ્રમુખો સિદ્ધૂ સાથે ચર્ચા કર્યા વગર નિયુક્ત કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના પંજાબના મામલાના પ્રભારી મહાસચિવ હરીશ ચૌધરીએ મંગળવારે જિલ્લા સંયોજકોની યાદી જાહેર કરી અને તેમને તાત્કાલિક અસરથી કામ શરૂ કરવાનું કહેવામાં આવ્યું. સંયોજકોને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યો સાથે તાલમેલ બનાવીને કામ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. સ્પષ્ટ છે કે પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સુનીલ જાખડ પોતાના દ્વારા નિયુક્ત જિલ્લા પ્રમુખોને સિદ્ધૂ દ્વારા હટાવવાથી ખુશ ન હતા. જાખડે આ મુદ્દાને લઈને રાહુલ ગાંધી સાથે વાત કરી હતી. સૂત્રો મુજબ, સુનીલ જાખડે રાહુલ ગાંધીને જાણકારી આપી હતી કે સિદ્ધૂના મનસ્વી નિર્ણયથી પાર્ટીના નેતાઓમાં નારાજગી છે.
કોંગ્રેસના પંજાબ એકમનો આંતરીક કલેશ હજી પુરો થયો નથી. બે વિધાનસભા મતવિસ્તારો- સુલ્તાનપુર લોધી અને કાદિયાંમાં જૂથબંધી પહેલા જ સામે આવી ચુકી છે. સિદ્ધૂએ શનિવારે સુલ્તાનપુર લોધીથી પાર્ટીના ધારાસભ્ય નવતેજસિંહ ચીમાની ઉમેદવારીને ટેકો આપ્યો, જ્યાંથી પૂર્વ મુખ્ય મંત્રી કેપ્ટન અમરિન્દરસિંહના નિકટવર્તી ગણાતા કેબિનેટ મંત્રી રાણા ગુરજીતસિંહ ચૂંટણી લડવા માટે ઈચ્છુક છે. તો કાદિયાં વિધાનસભા મતવિસ્તારના હાલના ધારાસભ્ય ફતેહજંગ બાજવાનું પણ સિદ્ધૂએ સમર્થન કર્યું છે. આ બેઠક પરથી પીસીસીના પૂર્વ પ્રમુખ પ્રતાપસિંહ બાજવા ચૂંટણી લડવા ઈચ્છુક છે.
તો બીજી તરફ નવજોતસિંહ સિદ્ધૂએ બીએસએફનું અધિકાર ક્ષેત્ર વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા મામલે શનિવારે પંજાબની ચરણજીતસિંહ ચન્નીની સરકારની કાયદાકીય ટીમને અભિનંદન આપ્યા હતા. કેન્દ્ર સરકારે બીએસએફનું અધિકાર ક્ષેત્ર વધારતા તેને આસામ, પ.બંગાળ અને પંજાબમાં આંતરરાષ્ટ્રીય સીમાથી 50 કિલોમીટર સુધીના વિસ્તારમાં તલાશી, જપ્તી અને ધરપકડ કરવાનો અધિકાર આપ્યો છે. પહેલા બીએસએફનું અધિકાર ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય સીમાથી 15 કિલોમીટર સુધીનું હતું. સિદ્ધૂએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે હું બીએસએફના અધિકાર ક્ષેત્રને વધારવાના જાહેરનામાની વિરુદ્ધ મૂળ વાદ દાખલ કરીને માનનીય સુપ્રીમ કોર્ટની સૌથી પહેલા દિશા પકડવા બદલ પંજાબ અને તેની કાયદાકીય ટીમને અભિનંદન આપું છું.

