સૌરાષ્ટ્રમાં સમાન્ય રીતે ખેડૂતો મગફળી કપાસ નું વાવેતર કરતા હોય છે. તો શિયાળામાં ઘઉં ચણા કે જીરૂનું વાવેતર થાય છે ઓછા કે વધુ વરસાદને કારણે મગફળી, કપાસના પાકમાં ખેડૂતોને નુકશાની ભોગવવવી પડે છે. જસદણ નજીક આવેલા આટકોટના એક ખેડૂત ગોપાલભાઈ નભોયા પણ વર્ષોથી મગફળી અને કપાસની ખેતી કરતા હતા. પરંતુ ઓછા કે વધુ વરસાદને કારણે તેમને ખર્ચો પણ નીકળતો ન હોતો. આથી તેણે પોતાની કોઠાસૂઝથી આ વર્ષે પોતાની 5 વીઘા જમીનમાં ડબલ પાક વાવી ડબલ કમાણી કરવા તરફ આગળ વધ્યા છે . ગોપાલભાઇએ આ વર્ષે પોતાની 5 વીઘા જમીનમાં 5 હજારનો ખર્ચ કરી અજમો અને સનફ્લાવરનું વાવેતર કર્યું છે. બંને પાકમાંથી તેને 6 મહિનામાં જ 2 લાખ રૂપિયાની કમાણી થવાનો અંદાજ છે.

ગોપાલભાઈએ પહેલી વખત સૂર્યમુખીની ખેતી કરી છે. અગાઉ કપાસ અને મગફળીના પાકમાં સતત નુકશાની જતી હતી. 7 વીઘા જમીનમાં ડબલ પાક કંઇ રીતે લઇ શકાય અને તેમાંથી કમાણી કેવી રીતે કરી શકાય તેવો વિચાર આવ્યો હતો. બાદમાં અજમાની ખેતી કરવાનો વિચાર આવ્યો અને અજમાના ક્યારાના પાળે સનફ્લાવર વાવવાનો વિચાર આવ્યો. બાદમાં બંને પાક પાછળ મેં 5 હજારનો ખર્ચ કરી 5 વીઘામાં વાવેતર કર્યું. આ બંને પાકનો સમય 6 મહિના છે.

હાલ અજમાના પાકમાં ફૂલ બેસી ગયા છે અને સનફ્લાવરના ફૂલ પણ લહેરાય રહ્યા છે. આ બંને પાકની ખેતીનો સમય પાંચથી છ મહિનાનો છે. અજમા એક વીઘે 10 મણ અને સનફ્લાવર પણ એક વીઘે 10 મણ ઉતરવાનો અંદાજ છે. સનફ્લાવરનો પાક પાકી જાય પછી તેને થ્રેસર કે હલરમાં કાઢી તેમાં રહેલા બિયા અલગ કરવામાં આવે છે. હાલ માર્કેટમાં સનફ્લાવરનો એક મણનો ભાવ 1200થી 1300 રૂપિયા છે. જ્યારે એજમાનો એક મણનો ભાવ 2500 રૂપિયા છે. સનફ્લાવ 50 મણ અને અજમા પણ 50 મણ થાય તેવી ધારણા છે. ગોપાલભાઇએ બંને પાકના વાવેતર વિશે વાત કરતા જણાવ્યું હતું કે, સૌપ્રથમ તો અજમાનું વાવતેર ક્યારા બાંધીને કરવામાં આવે છે.

ક્યારા માટે બાંધવામાં આવેલા પાળા પર એક બે ફૂટના અંતરે સનફ્લાવરના બિયારણનું વાવેતર કર્યુ છે. જેનાથી અજમાના પાકને પણ નુકસાન પહોંચતું નથી. અજમાના પાકની સાથે સાથે સનફ્લાવરનો પાક પણ તૈયાર થઇ જશે. બંને પાકમાં મેં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો છંટકાવ કર્યો નથી. એકદમ ઓર્ગેનિક પદ્ધતિથી જ ખેતી કરી છે . બંને પાકમાં પંચગવ્ય, ગૌમુત્ર અને ગાયના છાણનો જ ઉપયોગ કર્યો છે.

