અમદાવાદ, શુક્રવાર
જુનિયર તબીબોના ટેકામાં હવે સિનિયર તબીબો સોમવારથી હડતાળ પર ઉતરશે.સોમવારથી સીનીયર તબીબોની હડતાલનાં પગલે રાજ્ય સરકારનું ‘ટેન્શન’વધી શકે છે. તો રાજ્યની સિવિલ હોસ્પીટલના દર્દીઓને હાલાકીનો ભોગ બનવું પડી શકે છે. જો કે, રાજ્યનો આરોગ્ય વિભાગ આ અંગે સતર્ક છે.
રાજ્યની મેડીકલ કોલેજના તબીબી વિધાર્થીઓ છેલ્લા એક મહિનાથી આંદોલન કરી રહ્યા છે. ત્યારે તેના ટેકામાં સીનીયર તબીબો અલગ અલગ 16 જેટલી માંગણીઓને લઈ હડતાલ પર જવા ઠરાવાયું છે. અમદાવાદમાં B.J. મેડીકલ કોલેજમાં તબીબોની એક બેઠક મળી હતી જેમાં આંદોલનની આગામી રણનીતિ અને હડતાળને લઈ ચર્ચા થઈ હતી. સીનીયર તબીબોની હડતાલના મુદ્દાઓમાં કાયમી ભરતી, બઢતી ઉપરાંત પેન્શન યોજના, કરાર આધારિત ભરતી રદ જેવા મુદ્દાઓ અગ્રીમ સ્થાને છે.
રાજ્યમાં રેસિડેન્ટ તબીબોની હડતાળનો મામલે સરકારે આખરે નિર્ણય લીધો છે. જુનિયર તબીબો માટે પગાર વધારાની જાહેરાત કરવામાં આવી છે. હવે રેસિડેન્ટ તબીબોને 63 હજાર પગાર મળશે. મેડિકલ ઓફિસર જેટલો જ પગાર જુનિયર તબીબોને અપાવાના નિર્ણય બાદ હડતાળનો અંત આવી શકે છે. ઉપરોક્ત પગાર વધારો શરતોને આધિન આપવામાં આવશે. જુનિયર તબીબો ‘વી આર હ્યુમન્સ, નોટ રોબોટ્સ’ ના લખાણવાળા પોસ્ટર સાથે વિરોધ નોંધાવી રહ્યા હતા કારણ કે કામની ભારણ ખૂબ જ વધુ હતું ત્યારે સરકારે એ પણ જાહેરાત કરી છે કે અત્યાર સુધી 3 હાજર નર્સની ભરતી કરવામાં આવી છે. કામનું ભારણ ઓછું કરવા આયોજન કરવામાં આવ્યું છે. નીટની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને 50%ની મર્યાદામાં ફરજ પર લઈ શકાશે, પીજી એડમીશન પૂર્ણ થાય ત્યાં સુધી 50%ની મર્યાદામાં ફરજ પર લઈ શકાશે તેવી જાહેરાત પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી.
તબીબોની માંગ છે કે 12 વર્ષથી રોકાયેલી બઢતી તાત્કાલિક આપવામાં આવે તેમજ રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 ખાલી પોસ્ટ ભરવામાં આવે આ સાથે જ તબીબો એ પણ કહી રહ્યા છે કે નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ, પગારની મહત્તમ મર્યાદા સહિતનો ઠરાવ ફરી લાગુ કરાય જેથી તબીબોને કંઈક અંશે ફાયદો થયા. હડતાળમાં જોડાયેલા તબીબોએ ચીમકી ઉચ્ચારી છે કે 22 નવેમ્બરે રદ કરાયેલો ઠરાવ ફરી લાગુ આવે તેમજ તબીબોની કોન્ટ્રાક ભરતી બંધ કરી કાયમી ભરતી કરવામાં આવે સાથે જ થોડા સમય પહેલાં સરકારે આપેલી બાહેંધરીઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. સરકારી તબીબો દ્વારા છેલ્લા કેટલાક સમયથી 7માં પગારપંચ અને અન્ય પડતર માંગોને લઇ વિરોધ કરી રહ્યા છે . એટલું જ નહીં એડહોક તબીબોની સેવા સળંગ કરવાની માંગ પણ કરવામાં આવી હતી. તબીબોનું કહેવું છે કે 12 વર્ષથી રોકાયેલી બઢતી તાત્કાલિક આપવામાં આવે.

