નવી દિલ્હી, શુક્રવાર
દુનિયાના સૌથી અમીર અને ટેસ્લા ઈન્કના સીઈઓ એલન મસ્કે ટ્વિટ કરીને કહ્યુ છે કે તેઓ પોતાની નોકરી છોડીને સંપૂર્ણપણે ઈન્ફ્લુએન્સર બનવા ચાહે છે. એલન મસ્ક અત્યાર સુધી કંપનીના લગભગ 12 અબજ ડોલર એટલે કે 91 હજાર કરોડ રૂપિયાના શેર વેચી ચુક્યા છે.
જો કે આ ટ્વિટથી એ સ્પષ્ટ થયું નથી કે એલન મસ્ક પોતાના પદને છોડવાને લઈને ગંભીરતાથી કહી રહ્યા છે કે નહીં. તેઓ પહેલા પણ હળવા મૂડમાં ઘણાં પ્રકારના આવા ટ્વિટ્સ કરતા રહ્યા છે. અમેરિકન એક્સચેન્જોના રિપોર્ટ્સ પ્રમાણે, એલન મસ્કે ગુરુવારે ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના વધુ 934091 શેરોનું વેચાણ કર્યું છે. તેની કિંમત 96.3 કરોડ ડોલર છે.
એલન મસ્કે શુક્રવારે ટ્વિટ કરીને કહ્યુ છે કે તેઓ પોતાની નોકરી છોડવા ચાહે છે અને સંપૂર્ણપણે ઈન્ફ્લુએન્સર બનવા માંગે છે. એલન મસ્કે આના સંદર્ભે કોઈ અન્ય વિવરણ આપ્યું નથી. તેઓ રોકેટ કંપની સ્પેસએક્સના પણ સીઈઓ છે. આ સિવાય તેઓ બ્રેન ચિપ સ્ટાર્ટઅપ સ્પેસએક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફર્મ ધ બોરિંગ કંપનીના પણ પ્રમુખ છે. આ વર્ષે જાન્યુઆરીમાં મસ્કે કહ્યુ હતુ કે તેઓ હજી ઘણાં વર્ષો સુધી ટેસ્લાના સીઈઓના પદે રહેવાની આશા રાખે છે.
બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ પ્રમાણે એલન મસ્ક હજી પણ દુનિયાના સૌથી વધુ ધનિક વ્યક્તિ છે. પરંતુ તેમની નેટવર્થ શુક્રવારે ઘટીને 266 અબજ ડોલર થઈ છે. ટેસ્લાના શેર તૂટવાને કાણે એક જ દિવસમાં તેમની મિલ્કત 16 અબજ ડોલર એટલે કે અંદાજે 1.21 લાખ કરોડ રૂપિયા જેટલી ઘટી છે. ગત મહીને તેમણે ટ્વિટર પર જ પોતાના ફોલોઅર્સને સવાલ કર્યો હતો કે શું તેમણે ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લામાં પોતાની 10 ટકાની ભાગીદારીને વેચી દેવી જોઈએ. તેના પર 50 ટકાથી વધારે સમર્થકોએ શેર વેચવાની તરફદારી કરતો અભિપ્રાય આપ્યો હતો. તેના પછી તેમણે ઘણાં ટુકડામાં પોતાના શેર વેચ્યા. અત્યાર સુધીમાં તેઓ અંદાજે 12 અબજ ડોલરના શેર વેચી ચુક્યા છે.

