નવી દિલ્હી, ગુરુવાર
ભારતીય સેનામાં 35 વર્ષ સુધી સેવા આપીને રિટાયર થયેલા બ્રિગેડિયર સુધીર સાવંતે સીડીએસ જનરલ બિપિન રાવતને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરના ક્રેશ થવાને લઈને એક ચોંકાવનારો દાવો કર્યો છે. દૈનિક ભાસ્કરના અહેવાલમાં રિટાયર બ્રિગેડિયર સુધીર સાવંતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તેમનું માનવું છે કે સીડીએસના હેલિકોપ્ટરને નિશાન બનાવવું એલટીટીઈની રણનીતિનો ભાગ હોઈ શકે છે. એલટીટીઈ કેડર આઈઈડી બોમ્બ પ્લાન્ટ કરવામાં એક્સપર્ટ છે. આ સિવાય એલટીટીઈ પાસે ભારતના સૌથી મોટા સૈન્યાધિકારીને મારવા માટેનું મોટિવ પણ ઉપલબ્ધ છે. એનઆઈએએ આ ભયાનક હેલિકોપ્ટર ક્રેશની તપાસ કરવી જોઈએ.
દૈનિક ભાસ્કરની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલમાં બ્રિગેડિયર સાંવતે કહ્યુ છે કે કોઈપણ પ્લેન અથવા હેલિકોપ્ટર ક્રેશ થવાની પાછળ ત્રણ કારણો હોય છે. પહેલું ટેક્નિકલ ફોલ્ટ, બીજું-પાયલટની ભૂલ અને ત્રીજું બોમ્બ પ્લાન્ટ કરીને બ્લાસ્ટ કરવો. પહેલા બંને કેસમાં પાયલટ અને એર કંટ્રોલનું કમ્યુનિકેશન થાય છે. પાયલટ મદદની માગણી કરે છે અને આ તમામ વાતચીત બ્લેક બોક્સમાં રેકોર્ડ થઈ જાય છે. હવે બ્લેક બોક્સ પણ મળી ગયું છે. માટે જો આ માત્ર દુર્ઘટના હશે, તો જાણકારી સામે આવી જ જશે.
ત્રીજી આશંકા છે કે હેલિકોપ્ટરમાં બોમ્બ પ્લાન્ટ કરીને તેને બ્લાસ્ટ કરવામાં આવ્યું હોય. આ કેસમાં પાયલટ અને એર કંટ્રોલની વચ્ચે કમ્યુનિકેશન થઈ શકતું નથી અને બધું અચાનક બને છે. જો કે આ વિસ્તાર એલટીટીઈનો ગઢ રહ્યો છે, તો આ મજબૂત આશંકા છે કે આ હુમલાની પાછળ એલટીટીઈના સ્લીપર સેલ હોવાની સંભાવના છે.
બ્રિગેડિયર સાવંતે કહ્યુ છે કે જે વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે, તે વીરપ્પનનો વિસ્તાર પણ રહ્યો છે. તેની સાથે એલટીટીઈનો ગઢ પણ. ઉટી, કોયમ્બતૂર, મેત્યૂપાલનનું આખું જંગલ વીરપ્પનનો વિસ્તાર રહ્યો છે. બ્રિગેડિયર સાંવતે કહ્યુ છે કે હું કમાન્ડો ઈન્સ્ટ્ર્ક્ટર હતો અને અમે એલટીટીઈ સાથે એન્કાઉન્ટર પણ કર્યું છે. માટે અમે એલટીટીઈની નસેનસથી વાકેફ છીએ. તેમના દ્વારા હુમલો કરવાની સ્ટાઈલ બિલકુલ એવા પ્રકારની છે કે જેવી રીતે આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમણે કહ્યુ છે કે એલટીટીઈ ઘણાં સમયથી ભારત અને ભારતીય સેનાથી ઘણું નારાજ છે. ભારતે એલટીટીઈને તબાહ કર્યું અને જાફનાથી લઈને તમિલનાડુ સુધીનું તેનું નેટવર્ક તોડી નાખ્યું. એલટીટીઈની બાકી બચેલી લીડરશિપ આમા સામેલ હોવાની સંભાવના છે. ત્યાં સુધી કે આ હુમલામાં પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈનો પણ હાથ હોવાની સંભાવના છે. બની શકે કે આઈએસઆઈ અને એલટીટીઈએ આને સાથે મળીને અંજામ આપ્યો હોય.
બ્રિગેડિયર સાવંતે કહ્યુ છે કે જો કોઈ એ માનતું હોય કે એલટીટીઈ પાસે હવે કોઈ શસ્ત્રો, વિસ્ફોટકો અને ટેક્નિકલ સપોર્ટ બાકી બચ્યો નથી, તો તે ભ્રમમાં છે. એલટીટીઈ પાસે આજે પણ રાયફલથી લઈને વિસ્ફોટકો સુધી બધું છે. હ્યુમન બોમ્બનો ઉપયોગ કરવાનું પણ એલટીટીઈએ શરૂ કર્યું. એલટીટીઈમાં એક્સ્પ્લોઝિવ ભરેલી ગાડી અથડાવીને બ્લાસ્ટ કરી દેવા જેવા આત્મઘાતી હુમલા કરવાની ગજબની ક્ષમતાઓ છે. આજે પણ તેની પાસે એક્સપ્લોઝિવના ટેક્નિકલ કામ કરવા માટે એક્સપર્ટ ઉપલબ્ધ છે. બની શકે છે કે આ ઘટનામાં નાના અંતરનો પ્રહાર કરનારી મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા છે.
દૈનિક ભાસ્કરની સાથેની વાતચીતમાં બ્રિગેડિયર સાવંતે કહ્યુ છે કે હેલિકોપ્ટરમાં બોમ્બ પ્લાન્ટ કરવો આસાન નથી. આખરી સમયે ડેટોનેટર અને બોમ્બનું કનેક્શન પણ હોવું જોઈએ. આ ઈનસાઈડ જોબ પણ હોઈ શકે છે. આ વિસ્તારના ઘણાં સામાન્ય લોકો પણ એલટીટીઈના સમર્થક છે. આ પ્રકારના હુમલાને અંજામ આપવા માટે માત્ર બે લોકો જ જોઈતા હોય છે. આવી ઘટનાઓને પાર પાડવા માટે એલટીટીઈને મોટા કેડરની જરૂરત નથી. એક-બે લોકો સાથે મળીને આ હુમલાને પાર પાડી શકે છે. મહત્વપૂર્ણ છે કે સીડીએસ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશને માત્ર યોગાનુયોગ નહીં માનીને ઘણાં વિશેષજ્ઞો દ્વારા આશંકા વ્યક્ત કરાય છે. આમા દુશ્મન દેશ ચીનની કોઈ ચાલ હોવાની શક્યતાઓની પણ ચર્ચા છે. આ સવાલ હવે સોશયલ મીડિયા પર જોરશોરથી ઉઠાવાય રહ્યો છે. લગભગ એક વર્ષ પહેલા તાઈવાનના તત્કાલિન સેનાધ્યક્ષનું હેલિકોપ્ટર પણ આવી જ રહીતે ક્રેશ થયું હોવાથી આશંકા વધુ પ્રબળતાથી રજૂ થઈ રહી છે. તાઈવાનના સેનાધ્યક્ષ સતત ચીન સામે આકરું વલણ અપનાવી રહ્યા હતા. તો સીડીએસ જનરલ બિપિન રાવત પણ ચીનને લઈને કેટલાક દિવસ પહેલા બાયોલોજિકલ વોરફેરની વાત કહી ચુક્યા હતા. આ ઘટનાઓને ટાંકીને ચીન પર શંકાઓ વ્યક્ત કરાય રહી છે.

