નવી દિલ્હી, ગુરુવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બુધવારે યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક બાદ કહેવામાં આવે છે કે સરકાર જલ્દીથી દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતના ઉત્તરાધિકારીના નામની ઘોષણા કરે તેવી શક્યતા છે. અટકળો તેજ થઈ છે કે જનરલ રાવતના નિધન બાદ હવે દેશના હાલના સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેને આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવે તેવી શક્યતા છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, સીસીએસની બેઠકમાં જો કે આને લઈને કોઈ ઔપચારીક વાતચીત થઈ નથી. તમામ સદસ્યોએ એમઆઈ-17 V5 હેલિકોપ્ટરના ક્રેશમાં જીવ ગુમાવનારા જવાનો માટે બે મિનિટનું મૌન રાખ્યું અને શ્રદ્ધાંજલિ આપી હતી.
એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ આ વર્ષે 30 સપ્ટેમ્બર અને નેવી ચીફ એડમિરલ આર. હરિકુમારે 30 નવેમ્બરે જ પોતાનો પદભાર સંભાળ્યો છે. આર્મી ચીફ જનરલ નરવણે આગામી વર્ષે એપ્રિલમાં રિટાયર થવાના છે. સંશોધિત સૈન્ય નિયમો પ્રમાણે, સીડીએસ 65 વર્ષની વય પૂર્ણ થવા સુધી પોતાની સેવાઓ આપી શકે છે. ત્યારે બાકી ત્રણ સૈન્ય પ્રમુખો 62 વર્ષ સુધી અથવા તો પછી મહત્તમ ત્રણ વર્ષ સુધી પોતાના પદ પર રહી શકે છે.
એક વરિષ્ઠ સૈન્ય અધિકારી પ્રમાણે, પૂર્વ લડાખમાં ચીન સાથે 19 માસથી ચાલી રહેલો વિવાદ અને આ સિવાય ભૂમિસેના, નૌસેના અને વાયુસેનાને થિયેટર કમાન્ડમાં સામેલ કરવાની પ્રક્રિયા પણ વિલંબિત છે. તેમણે કહ્યુ છે કે જનરલ બિપિન રાવતે સંપૂર્ણ પ્રક્રિયાનો પ્રારંભ કર્યો હતો. પરંતુ તેમના અસામાયિક નિધનના કારણે કામગીરી અધુરી રહી ગઈ છે.

