તમિલનાડુના કુન્નૂર નજીક થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત સહીત 13 મૃતકોના પાર્થિવ દેહ ગુરુવારે રાત્રે પોણા આઠ વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ સૈન્ય વિમાન દ્વારા લાવવામાં આવ્યા હતા. લગભગ 9 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર પહોંચ્યા અને તેમણે જનરલ રાવત સહીત તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન મોદીએ શહીદોના પરિવારજનો સાથે એક-એક કરીને મુલાકાત પણ કરી હતી. તેમણે શહીદોના પરિવારજનોને સાંત્વના આપી હતી. આના પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ લગભગ સાડા આઠ વાગ્યે એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તેમણે પરિવારજનો સાથે મુલાકાત કરીને વાતચીત કરી હતી.
સીડીએસ જનરલ રાવતની બંને દીકરીઓ વિલાપ કરી રહી છે. બંનેએ માતાપિતાના પાર્થિવ દેહને પ્રણામ કરી તાબૂત પર માથું ટેકવ્યું હતું. જનરલ રાવતના મોટા પુત્રીનું નામ કીર્તિકા છે. કીર્તિકાના લગ્ન થઈ ચુક્યા છે અને તેઓ હાલ મુંબઈમાં રહે છે. નાના પુત્રીનું નામ તારિણી છે અને તેઓ દિલહ્ હાઈકોર્ટમાં વકીલાત કરે છે.
જનરલ બિપિન રાવત માત્ર પૈતૃક રીતે જ ઉત્તરાખંડ સાથે જોડાયેલા ન હતા. તેમના મનમાં પોતાના રાજ્ય માટે બેહદ પ્રેમ પણ હતો. આ કારણે તેઓ રિટાયરમેન્ટ બાદ દિલ્હીમાં રહેવાના સ્થાને દેહરાદૂનમાં વસવાટ કરવાની તૈયારી કરી ચુક્યા હતા. અહીં તેમનું આખું બાળપણ વીત્યું હતું. તેથી તેમણે એક મહીના પહેલા જ દેહરાદૂનમાં પ્રેમનગરની નજીક જંગલની વચ્ચે ખૂબસૂરત ખીણ પ્રદેશમાં પોતાનું નિવાસસ્થાન બનાવવાનું પણ શરૂ કરાવ્યું હતું. હાલ આ મકાનનો ભૂકંપવિરોધી તકનીકથી પાયો તૈયાર કરવાનું કામ થઈ રહ્યું હતું.

આ પહેલા ડોક્ટરોની ટીમે રાવત, મધુલિકા અને બ્રિગેડિયર એલ. એસ. લિડ્ડર સહીત 4 મૃતદેહોની ઓળખ કરી લીધી હતી. રાવત અને મધુલિકાના અંતિમ સંસ્કાર શુક્રવારે દિલ્હી ખાતે કરવામાં આવશે. જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના પાર્થિવ હેદ આજે તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાને પહોંચી જશે. શુક્રવારે સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી લોકો જનરલ રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતના મૃતદેહના અંતિમ દર્શન કરી શકશે. તેના પછી કામરાજ માર્ગથી બરાર ચોક સુધી અંતિમયાત્રા કાઢવામાં આવશે. દિલ્હી કેન્ટોન્મેન્ટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે બપોરે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે દુર્ઘટના એટલી ભીષણ હતી કે લાશોની ઓળખ મુશ્કેલ થઈ ગઈ છે. અમે યોગ્ય ઓળખ માટે દરેક શક્ય પગલા ઉઠાવી રહ્યા છીએ, જેથી કોઈપણની ભાવનાને ઠેસ પહોંચે નહીં. મૃતકોના પરિવારજનોને દિલ્હી બોલાવી લેવામાં આવ્યા છે. આ સિવાય વૈજ્ઞાનિક ઢબે પણ તપાસ કરવામાં આવશે.
આ સિવાય આ દુર્ઘટનામાં બચેલા એકમાત્ર વ્યક્તિ ગ્રુપ કેપ્ટન વરુણસિંહને સાંજા સવા પાંચ વાગ્યે વેલિંગ્ટનથી બેંગાલુરુની કમાન્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તો લાશો લઈ જઈ રહેલી એક એમ્બ્યુલન્સને અકસ્માત થતા કેટલાક પોલીસકર્મીઓને ઈજા થઈ છે. તમિલનાડુમાં મૃતકોના મૃતદેહ લઈ જતા વાહનો પર લોકોએ ફૂલ વરસાવીને ભારતમાતા કી જયના સૂત્રો પણ પોકાર્યા હતા. આ દુર્ઘટનાની ટ્રાઈસર્વિસ ઈન્ક્વાયરી એર માર્શલ માનવેન્દ્રસિંહની આગેવાનીમાં કરવામાં આવશે. એર માર્શલ માનવેન્દ્રસિંહ ટ્રેનિંગ કમાન્ડના કમાન્ડર છે અને તેઓ ખુદ પણ હેલિકોપ્ટર પાયલટ છે. આ સિવાય ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટની ટીમ ક્રેશ સાઈટ પર પહોંચી છે. ટીમને ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર શ્રીનિવાસન લીડ કરી રહ્યા છે. ઘટનાસ્થળેથી ફ્લાઈટ ડેટા રેકોર્ડર, કોકપિટ વોઈસ રેકોર્ડર જપ્ત કરવામાં આવ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન ચેન્નઈ રેજિમેન્ટ સેન્ટર પહોંચ્યા હતા અને તેમણે જનરલ બિપિન રાવતના પાર્થિવ દેહને સેલ્યૂટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પહેલા રાજનથસિંહે સંસદમાં ગુરુવારે સવારે 11.05 કલાકે નિવેદન આપ્યું હતું. ચાર મિનિટના નિવેદનમાં રાજનાથસિંહે માર્યા ગયેલા તમામ લોકો બાબતે જાણકારી આપી અને જનરલ રાવતના અંતિમ સંસ્કાર બાબતે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે હેલિકોપ્ટરનો સંપર્ક બુધવારે બપોરે 12.08 કલાકથી એર ટ્રાફિક કંટ્રોલ સાથે તૂટીગયો હતો. તેના પછી તે ક્રેશ થઈ ગયું. સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા યારે હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી. રેસ્કયૂ ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. દુર્ઘટનામાં બચેલા ગ્રુપ કેપ્ટન વરુણસિંહને વેલિંગ્ટનની હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે, તેઓ ત્યાં લાઈફ સપોર્ટ પર છે. તેમનો જીવ બચાવવાની કોશિશ ચાલુ છે.

કુન્નૂરમાં દુર્ઘટનાસ્થળેથી હેલિકોપ્ટરનું બ્લેકબોક્સ જપ્ત કરી લેવામાં આવ્યું છે. તેના દ્વારા દુર્ઘટનાના કારણનો ખુલાસો થઈ શકશે. બ્લેક બોક્સ સ્ટીલ અથવા ટાઈટેનિયમથી બનેલું ઈલેટ્રોનિક રેકોર્ડિંગ ડિવાઈસ છે. જે વિમાનના ક્રેશ થવા પર તપાસકર્તાઓને દુર્ઘટનાના કારણો જાણવામાં મદદ કરે છે. બ્લેક બોક્સનો રંગ કાળો નહીં, પણ ઓરેન્જ હોય છે.

