લખનૌ, સોમવાર
ઉત્તરપ્રદેશના મુખ્ય મુસ્લિમ ચહેરાઓમાં સામેલ વસીમ રિઝવીએ ઈસ્લામનો ત્યાગ કરીને આજથી હિંદુ બની ગયા છે. આજે ગાઝિયાબાદમાં યતિ નરસિંહાનંદ સરસ્વતીએ તેમને સનાતન ધર્મમાં સામેલ કરાવ્યા છે. વસીમ રિઝવીએ કહ્યુ છે કે મને ઈસ્લામમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. મારા માથા પર દર શુક્રવારે ઈનામ વધારવામાં આવે છે. આજે હું સનાતન ધર્મ અપનાવી રહ્યો છું.
રિઝવીએ પહેલા જ ઘોષણા કરી રાખી હતી કે તેઓ સોમવારે ઈસ્લામ ધર્મ છોડીને સનાતન ધર્મમાં સામેલ થશે. આ પ્રસંગે યતિ નરસિંહાનંદ સરસ્વતીએ કહ્યુ છે કે અમે વસીમ રિઝવીની સાથે છીએ. વસીમ રિઝવી ત્યાગી સમુદાય સાથે જોડાશે.
શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન રિઝવીએ એલાન કર્યું હતું કે તેઓ ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ અંગિકાર કરશે. તેમણે કહ્યુ હતુ કે ડાસનાના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતી તેમને સનાતન ધર્મમાં સામેલ કરાવશે.
આ પહેલા તેમણે પોતાની વસિયત પણ જાહેર કરી હતી. થોડા દિવસો પહેલા રિઝવીએ એલાન કર્યું હતું કે મર્યા બાદ તેમને દફનાવવામાં આવે નહીં. પરંતુ હિંદુ રીતિરિવાજથી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે અને તેમના મૃતદેહનો દાહ સંસ્કાર કરવામાં આવે. વસીમ રિઝવીએ કહ્યુ હતુ કે યતિ નરસિંહાનંદન તેની ચિતાને અગ્નિદાહ આપે. તેમણે કહ્યુ હતુ કે કેટલાક લોકો તેમને મારવા ચાહે છે અને આ લોકોએ ઘોષણા કરી રાખી છે કે તેના મોત બાદ તેમના પાર્થિવ શરીરને કબ્રસ્તાનમાં દફનાવવાના સ્થાને સ્મશાનઘાટ પર અગ્નિદાહ આપવામાં આવે.
ઈસ્લામમાં રિફોર્મની માગણી કરતા વસીમ રિઝવી ઘણાં વિવાદમાં રહ્યા હતા. તેમનો દાવો છે કે આના કારણે તેમને ઘણીવાર ધમકીઓ પણ મળી ચુકી છે. વસીમ રિઝવીએ કુરાનની 26 આયાતોને હટાવવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. પરંતુ અરજીને કોર્ટે નામંજૂર કરી હતી. બાદમાં વસીમ રિઝવી મુસ્લિમ સંગઠનોના નિશાના પર આવ્યા છે.

