અલ્પેશ પટેલ, ગાંધીનગર, શનિવાર
ગુજરાત કોંગ્રેસના નવા સૂકાની તરીકે જગદીશ ઠાકોરની પસંદગી કરીને કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે. ઓબીસી, એસસી અને એસટી સમાજના સમીકરણો ગોઠવવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે એક કાંકરે અનેક પક્ષીઓ માર્યા છે. છેલ્લા નવ મહિના કરતાં વધારે સમયથી ગૂંચવાયેલું કોંકડું ઉકેલાયું છે અને કોંગ્રેસે સામી વિધાનસભાની ચૂંટણીએ ઓબીસી, એસસી અને એસટી સમાજના મત અંકે કરવા માટે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. રાજ્યમાં ઓબીસી સમાજની વસતિ 41 ટકા છે તો આદિવાસી સમાજની વસતિ 14.74 ટકા છે અને દલિત એટલે કે એસસી વસતિ 6.75 ટકા છે અને આ સાથે કુલ 62.5 ટકા વોટ બેન્કને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સોગઠા ગોઠવ્યા છે અને આ ભેજા પાછળ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મગજ દોડાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અગાઉ 1985માં માધવસિંહ સોલંકીએ ખામ થિયરીનો અમલ કરીને વિધાનસભાની 149 બેઠકો જીતી હતી જે આજે પણ એક રેકોર્ડ છે ત્યારે કોંગ્રેસ ૨૦૨૨ની ચૂંટણીમાં ફરી ખામ થિયરી ઉપર પાછી વળી હોય તેવા સંકેત આપી દીધા છે.
ગુજરાત કોંગ્રેસના નવા સૂકાની તરીકે અપેક્ષા મુજબ જગદીશ ઠાકોરની નિમણૂક કરાઈ છે અને વિપક્ષી નેતા તરીકે આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા સુખરામ રાઠવાની પસંદગી કરાઈ છે. જગદીશ ઠાકોર ઓબીસી સમાજમાંથી આવે છે અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ઓબીસી સમાજની વોટબેન્ક નિર્ણાયક છે. સૌરાષ્ટ્રમાં કોળી સમાજની વોટ બેન્ક મજબૂત ગણાય છે. રાજ્યમાં ઓબીસી સમાજની 41ટકા વસતિ છે અને એ મોટી વોટબેન્કને નારાજ કરીને કોંગ્રેસ ક્યારેય સત્તામાં આવી શકે નહી. જગદીશ ઠાકોર ઓબીસી સમાજનો મોટો ચહેરો છે તો સુખરામ રાઠવા આદિવાસી સમાજનો મોટો ચહેરો છે અને બનાસકાંઠાની વડગામ બેઠકના અપક્ષ ઉમેદવાર કે જેઓ કોંગ્રેસમાં આવી ચૂક્યા છે તેઓ દલિત સમાજનો મોટો ચહેરો છે.
આ ત્રણેય ચહેરાઓ કોંગ્રેસ માટે હૂકમના એક્કા સાબિત થઈ શકે તેમ છે. 1985માં માધવસિંહ સોલંકીએ ખામ થિયરીના સહારે 149 બેઠકો કબજે કરી હતી. ખામ એટલે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ વોટબેન્કનો સમાવેશ થાય છે. કોંગ્રેસ ૨૦૨૨નો ચૂંટણી જંગ ખામ થિયરીને ધ્યાનમાં રાખીને લડવા માગે છે. કોંગ્રેસમાં પાટીદાર નેતાઓની પણ કમી નથી અને એ સિવાય હવે ટાર્ગેટ ઉપર ઓબીસી સમાજની વોટબેન્ક છે. કોંગ્રેસનો આ માસ્ટર પ્લાન ભાજપને પોતાની રણનીતિમાં ફેરફાર કરવાની ફરજ પાડી શકે છે. વિધાનસભાની ૧૦૦થી વધારે વિધાનસભાની બેઠકો ઉપર ઓબીસી સમાજ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
ઓબીસી સમાજ ઉપરાંત રાજ્યમાં દલિત એટલે કે એસસી સમુદાયની 6.75 ટકા વસતિ છે અને આ વસતિ કોંગ્રેસની પરંપરાગત મજબૂત વોટ બેન્ક ગણાય છે. આ સિવાય આદિવાસી એટલે કે એસટીની 14.75 ટકા વસતિ પણ કોંગ્રેસનો વોટબેન્ક ગણાય છે પણ છેલ્લા કેટલાક સમયથી ભાજપે તેમાં ગાબડાં પાડ્યાં છે અને હવે તેમાં કોઈ ગાબડાં ન પડે અને એ વોટબેન્ક ફરીથી કોંગ્રેસ તરફ પાછી વળે તે માટે કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક માર્યો છે અને ભાજપને પણ પોતાની ચૂંટણી રણનીતિમાં ફેરબદલ કરવા મજબૂર કરી શકે છે. જગદીશ ઠાકોર ઓબીસી સમાજનો મોટો ચહેરો છે અને વર્તમાન વિધાનસભામાં ઓબીસી સમાજના 62 ધારાસભ્યો છે તો ઠાકોર સમાજના 16 ધારાસભ્યો પણ છે. જગદીશ ઠાકોરે જાેમ અને જુસ્સાથી હોદ્દો સંભાળ્યો છે અને ગુજરાતમાં કોંગ્રેસ હવે એક નવા આયામ સાથે આગળ વધશે તેવો સંકેત પણ તેમણે આપી દીધો છે.

